: ૨૦ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
ભવીએ. હે જનની! આ સંયોગમાં ક્યાંય અમને ચેન નથી, અમારું ચિત્ત તો આત્મામાં
લાગ્યું છે. (પ્રવચનસાર ગાથા ૨૦૧–૨૦૨ માં દીક્ષા પ્રસંગે દીક્ષાર્થી શરીરની જનની
વગેરેને વૈરાગ્યથી સંબોધે છે તે વાત ગુરુદેવે અહીં યાદ કરી હતી...જાણે આવો કોઈ દીક્ષા
પ્રસંગ નજરસમક્ષ બની રહ્યો હોય એવા ભાવો ગુરુદેવના શ્રીમુખથી નીકળતા હતા.)
–આ પ્રમાણે સંસારથી વિરક્ત થઈને એ રાજકુમાર દીક્ષા લ્યે ને અંદર લીન
થઈને આત્માના આનંદને અનુભવે.–વાહ, ધન્ય એ દશા!
બીજે દિવસે એ જ વૈરાગ્યના ફરી ફરી ઘોલનપૂર્વક પ્રવચનમાં પણ ગુરુદેવે
કહ્યું:– ધર્મી રાજકુમાર હોય ને વેરાગ્ય થતાં માતાને કહે કે હે માતાજી! આ રાજમહેલ ને
રાણીઓ, આ બાગબગીચા ને ખાનપાન એ સંયોગમાં ક્યાંય મને ચેન પડતું નથી,
એમાં ક્યાંય મને સુખ ભાસતું નથી; મા! આ સંસારનાં દુઃખો હવે સહ્યા જતાં નથી. હવે
તો હું મારા આનંદને સાધવા જાઉં છું.–માટે તું મને રજા આપ! આ સંસારથી મારો
આત્મા ત્રાસ પામ્યો છે, ફરીને હવે હું આ સંસારમાં નહિ આવું. હવે તો આત્માના
પૂર્ણાનંદને સાધીને સિદ્ધપદમાં જઈશું. માતા! તું મારી છેલ્લી માતા છો, બીજી માતા હવે
હું નહિ કરું, બીજા માતાને ફરી નહિ રોવડાવું. માટે આનંદથી રજા આપ. મારો માર્ગ
અફરગામી છે. સંસારની ચાર ગતિના દુઃખો સાંભળીને તેનાથી મારો આત્મા ત્રાસી
ગયો છે; અરે, જે દુઃખો સાંભળ્યા પણ ન જાય (સાંભળતાંય આંસુ આવે) એ તે દુઃખ
સહ્યા કેમ જાય? –એ દુઃખોથી હવે બસ થાવ...બસ થાવ. આત્માના આનંદમાં અમારું
ચિત્ત ચોટ્યું છે તે સિવાય બીજે ક્યાંય હવે અમારું ચિત્ત ચોટતું નથી. બહારના ભાવો
અનંતકાળ કર્યા હવે અમારું પરિણમન અંદર ઢળે છે અંદર જ્યાં અમારો આનંદ ભર્યો છે
ત્યાં અમે જઈએ છીએ. સ્વાનુભૂતિથી અમારો જે આનંદ અમે જાણ્યો છે તે આનંદને
સાધવા માટે જઈએ છીએ.
સ્વાનુભૂતિ વગર આત્માને આનંદ થાય નહિ. નવતત્ત્વોની ગૂંચમાંથી શુદ્ધનયવડે
ભૂતાર્થ સ્વભાવને જુદો પાડી, જે શુદ્ધાત્માની અનુભૂતિ કરી તેમાં કોઈ વિકલ્પો કે
ભેદોરૂપ દ્વૈત દેખાતું નથી, એકરૂપ એવો ભૂતાર્થ આત્મસ્વભાવ જ અનુભૂતિમાં પ્રકાશે
છે.–આવી અનુભૂતિ વગર આત્માને આનંદ થાય નહિ.
જ્યારે આવી અનુભૂતિ સહિત રાજકુમાર સંસારથી વિરક્ત થઈને માતા પાસે રજા
માંગે, ત્યારે માતા પણ ધર્મી હોય તે કહે કે ભાઈ! તું સુખેથી જા ને તારા આત્માને સાધ. જે
તારો માર્ગ છે તે જ અમારો માર્ગ છે. અમારે પણ એ જ સ્વાનુભૂતિના માર્ગે આવવાનું છે.