: ૬ : આત્મ ધર્મ : આસો : ૨૪૯૨
નથી–એવા ભાનપૂર્વક આકિંચન્યધર્મ હોય છે. અહીં મુખ્યપણે મુનિની ભૂમિકાના ધર્મની
વાત છે એટલે અસ્થિરતાના રાગરૂપ વસ્ત્રાદિનું મમત્વ પણ તેમને હોતું નથી, ઘર–
વસ્ત્ર–સ્ત્રી–ધન વગેરેનો તો તેમને રાગ જ છૂટી ગયો છે, ને તેનો બહારમાં પણ ત્યાગ
છે. શિષ્ય વગેરેના મમત્વનો પણ મુનિને ત્યાગ, તેનો વિકલ્પ છૂટીને સ્વરૂપમાં
એકાગ્રતા–એનું નામ ઉત્તમ અકિંચન ધર્મ છે, ને તે મોક્ષનું કારણ છે. ધર્મીને ચોથા
ગુણસ્થાને સમ્યગ્દર્શનમાં પણ અકિંચન એવા જ્ઞાયકસ્વભાવનું ભાન તો થયું છે એટલે
શ્રદ્ધાઅપેક્ષાએ તો અકિંચનધર્મ તેને છે. હું જ્ઞાયકભાવમાત્ર છું, મોહનો એકઅંશ પણ
મારો નથી ને પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારું નથી–આવી શુદ્ધચૈતન્યની અનુભૂતિ
ઉપરાંત તેમાં વિશેષ લીનતાવડે એવો વીતરાગભાવ પ્રગટે કે અસ્થિરતારૂપ મમત્વ
પરિણામ પણ ન થાય,–એનું નામ અકિંચન્ય ધર્મ છે.
(૧૦) ઉત્તમ બ્રહ્મચર્યનું સ્વરૂપ
બ્રહ્મસ્વરૂપ આત્મા તેના આનંદમાં લીન મુનિવરોને બાહ્યવિષયોથી અત્યંત
વિરક્તિ હોય છે, એટલે સ્ત્રી સંબંધી રાગવૃત્તિ જ થતી નથી એને ઉત્તમ બ્રહ્મચર્યધર્મની
આરાધના હોય છે. આવો બ્રહ્મચર્યધર્મ સમ્યગ્દર્શનપૂર્વક જ હોય છે. જેને સમ્યગ્દર્શન ન
હોય, આત્માનું ભાન ન હોય, ને પરમાં સુખબુદ્ધિ હોય, રાગમાં સુખબુદ્ધિ હોય,
વિષયોમાં સુખબુદ્ધિ હોય, તેને નિર્વિષય એવો બ્રહ્મચર્યધર્મ હોતો નથી. અને આત્માનું
ભાન હોય, વિષયોમાં સુખબુદ્ધિ છૂટી ગઈ હોય, છતાં જેટલો સ્વસ્ત્રીઆદિ પ્રત્યેનો
રાગભાવ છે તેટલું પણ અબ્રહ્મચર્ય છે; સ્વરૂપમાં લીન મુનિવરોને એવો રાગ પણ હોતો
નથી. આવી આત્મલીનતાનું નામ બ્રહ્મચર્ય છે. જ્યાં પોતાના ચૈતન્યના અતીન્દ્રિયરૂપને
દેખવામાં મશગુલ છે ત્યાં સ્ત્રીના રૂપને દેખવાનો રાગ ક્યાંથી થાય? એ જડનું ઢીંગલું
છે. ચૈતન્યના અતીન્દ્રિયરૂપની રુચિ થઈ ને તેમાં લીનતા થઈ ત્યાં આનંદનું વેદન એવું
પ્રગટ્યું કે બાહ્યવિષયો તરફ વૃત્તિ જ થતી નથી. બાહ્યવિષયોમાં સ્ત્રીને મુખ્ય ગણીને
તેની વાત કરી છે. સર્વ પ્રકારથી સ્ત્રીસંગનો ત્યાગ ને ચૈતન્યના આનંદમાં લીનતા તે
બ્રહ્મચર્ય છે. રણસંગ્રામમાં હજારો યોદ્ધાને જીતી લેનારા શૂરવીર પણ સ્ત્રીના એક કટાક્ષ
વડે વીંધાઈ જાય છે,–માટે કહે છે કે એવા શૂરવીરને અમે શૂરવીર કહેતા નથી; ખરો
શૂરવીર તો તે છે કે જે આત્મજ્ઞાની વિષયોથી વિરક્ત થયો છે ને સ્ત્રીના કટાક્ષબાણવડે
પણ જેનું હૃદય વીંધાતું નથી; એવા જીવને ઉત્તમ બ્રહ્મચર્યધર્મ હોય છે.
આ પ્રમાણે ઉત્તમક્ષમાથી શરૂ કરીને ઉત્તમ બ્રહ્મચર્ય સુધીનાં દશ ધર્મો કહ્યા તેને
પરમ ભક્તિથી જાણવા, આવા ધર્મના ધારક મુનિઓ પ્રત્યે ધર્મીને પરમ ભક્તિ–બહુમાનનો
ભાવ આવે છે. ને પોતે પણ આત્માના ભાનપૂર્વક ક્રોધાદિના ત્યાગવડે તે ધર્મની આરાધના
કરે છે. એવી આરાધના તે મોક્ષનું કારણ છે. એવી ધર્મની આરાધનાનું આ પર્વ છે.
– जय जिनेन्द्र