: કારતક : ૨૪૯૩ આત્મધર્મ : ૭ :
યથાર્થરૂપે કર્યો નથી. અહીં અનંતગુણનિધાન બતાવીને આચાર્યદેવ કહે છે કે–ભાઈ જો
તારે શાંતિ ને આનંદનો અનુભવ જોઈતો હોય તો, ને સ્વતંત્ર સુખનો રાહ–પંથ જોઈતો
હોય તો, જ્ઞાનવડે જાણનારને જાણ. બહારમાં જે દેખાય છે તે તું નથી, જે દેખનારો છે તે તું
છો. તારે લઈને રાગ કે શરીર નથી, તારે લઈને તો જ્ઞાન છે, એટલે કે જ્ઞાન જ તારું કાર્ય છે.
આત્મા જાણનાર છે છતાં પોતે પોતાને કેમ નથી જાણતો? જ્ઞાનને સ્વસન્મુખ
કરતો નથી તેથી આત્મા જણાતો નથી. અનંત શક્તિનો પરમેશ્વર છે તો પોતે જ, પણ
પોતે પોતાને ભૂલી ગયો છે. ૩૮ મી ગાથામાં કહ્યું હતું કે–જેમ કોઈ મૂઠીમાં રાખેલા
સુવર્ણને ભૂલી ગયો હોય ને બહાર શોધતો હોય, તે ફરી યાદ કરીને સુવર્ણને પોતાની
મૂઠીમાં જ દેખે કે અરે, આ રહ્યું સોનું, મારી મૂઠીમાં જ છે! તેમ અનાદિ અજ્ઞાનથી જીવ
પોતાના પરમેશ્વર–આત્માને ભૂલી ગયો હતો, પણ શ્રી ગુરુના વીતરાગી ઉપદેશથી
વારંવાર સમજાવવામાં આવતાં તેને પોતાની પ્રભુતાનું ભાન થયું, સાવધાન થઈને
પોતામાં જ પોતાની પ્રભુતાને જાણી કે અહો, અનંતશક્તિની પરમેશ્વરતા તો મારામાં જ
છે, મારામાં જ મારી પ્રભુતા છે; પરદ્રવ્ય અંશમાત્ર મારું નથી, મારા ભિન્ન સ્વરૂપના
અનુભવથી હું પ્રતાપવંત છું,–આમ પોતાની પ્રભુતાને જાણી, તેનું શ્રદ્ધાન કરીને તથા
તેમાં તન્મયપણે લીન થઈને સમ્યક્ પ્રકારે આત્મારામ થયો.....પોતે પોતાને
અનંતશક્તિસંપન્ન જ્ઞાયકસ્વભાવરૂપે અનુભવતો થકો પ્રસિદ્ધ થયો. મોહનો નાશ થઈને
જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો.
જુઓ, આનું નામ જ્ઞાનદશા; આનું નામ અનુભવદશા; આવી દશા થતાં પોતાને
પોતાનો અનુભવ થાય ને પોતાને તેના આનંદની ખબર પડે. અહા! પરમેશ્વરના જ્યાં
ભેટા થયા–એ દશાની શી વાત! જ્ઞાનસમુદ્ર ભગવાન આત્મા પ્રગટ થયો– તે કહે છે કે
અહો, બધા જીવો આવા આત્માને અનુભવો; બધા જીવો આત્માના શાંતરસમાં મગ્ન
થાઓ. શાંતરસનો સમુદ્ર પોતામાં ઉલ્લસ્યો છે, ત્યાં કહે છે કે બધાય જીવો આ
શાંતરસના દરિયામાં તરબોળ થાઓ.
જુઓ, તો ખરા, સન્તોને આત્માની પ્રભુતાનો કેટલો પ્રેમ છે? આત્મા તો
અનંત ગુણ–રત્નોથી ભરેલો મોટો રત્નાકર છે. દરિયાને રત્નાકર કહેવાય છે. આત્મા
અનંતગુણથી ભરેલો દરિયો ચૈતન્ય–રત્નાકર છે; એમાં એટલા રત્નો ભર્યાં છે કે એકેક
ગુણના ક્રમથી એનું કથન કરતાં કદી પૂરું ન થાય. આત્મા ચૈતન્યરત્નાકર તો સૌથી મહાન છે.
રત્ન: સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ મોક્ષમાર્ગનાં ત્રણ રત્નો છે.
મહારત્ન: એ રત્નત્રયના ફળમાં કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટે છે, તે
કેવળજ્ઞાનાદિ મહા રત્નો છે.
મહાનથી પણ મહાન રત્ન: જ્ઞાનાદિ એકેક ગુણમાં અનંતા કેવળજ્ઞાનરત્નોની
ખાણભરી છે, તેથી તે મહા–મહારત્ન છે.