Atmadharma magazine - Ank 277
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 46

background image
: : આત્મધર્મ : કારતક : ૨૪૯૩
મહા–મહા–મહારત્ન: એવા અનંત ગુણરત્નોની ખાણ આત્મા એ તો મહા–મહા–
મહારત્ન છે. એના મહિમાની શી વાત!
ભાઈ! આવું મહિમાવંત રત્ન તું પોતે છો. મહાન રત્નોની ખાણ તારામાં ભરેલી
છે. એ સિવાય પરચીજ તારામાં નથી; એ ચીજ તારી નથી, મફતની પરની ચિંતા તેં
તારે ગળે વળગાડી છે. ખરેખર જે તારું હોય તે તારાથી કદી જુદું ન પડે; ને તારાથી
જુદું પડે તે ખરેખર તારું હોય નહિ. શું જ્ઞાન આત્માથી કદી જુદું પડશે? –ના; કેમકે તે
આત્માથી જુદું નથી, તે તો આત્મા જ છે. શરીરાદિ આત્માના નથી, એટલે તે આત્માથી
છૂટા પડી જાય છે. પહેલેથી જ છૂટા હતા તેથી છૂટા પડ્યા, એકમેક થઈ ગયા હોત તો
છૂટા ન પડત. એ જ રીતે જ્ઞાન ને રાગ પણ એકમેક થઈ ગયા નથી. ભિન્નસ્વરૂપે જ
રહ્યા છે તેથી ભિન્ન પડી જાય છે. પ્રજ્ઞાછીણીવડે રાગ તો આત્માથી બહાર નીકળી જાય
છે ને જ્ઞાન અંતરમાં એકમેક રહી જાય છે. –આવું ભેદજ્ઞાન કરે તો આત્માની સાચી
પ્રભુતા ઓળખાય.
અહો, પરમેશ્વર–તીર્થંકર પરમાત્માની દિવ્ય વાણીમાં પણ જેનો મહિમા પૂરો ન
પડે, એવો ચૈતન્ય હીરલો તું! તારા એકેક પાસામાં (એકેક ગુણમાં) અનંતી તાકાત
ઝળકે; એવા અનંતા પાસાથી ઝળકતી તારી પ્રભુતા! અનંત શક્તિના વૈભવથી ભરેલ
આનંદનું ધામ એવો ભગવાન તું પોતે! પણ તારી નજરની આળસે તું તને દેખાતો
નથી. ‘હરિ’ તું પોતે, પોતે પોતાથી જરાય વેગળો નથી–દૂર નથી, છતાં તેના ભાન
વગર અનંતકાળ ગાળ્‌યો. ભાઈ, હવે તો જાગ! જાગીને તારામાં જો! અંદરમાં નજર
કરતાં જ ‘મેરો પ્રભુ નહીં દૂર દેશાંતર, મોહિમેં હૈ, મોહે સુઝત નીકે’ –એમ તારામાં જ
તને તારી પ્રભુતા દેખાશે. જ્ઞાનસ્વરૂપમાં દ્રષ્ટિ કરતાં આત્મા હાથમાં આવે છે; તેનો
અનુભવ થાય છે. તે અનુભવમાં ઉલ્લસતી શક્તિઓનું આ વર્ણન છે. અનુભવમાં તો
અનંતશક્તિઓ સમાય છે, પણ કથનમાં અનંત ન આવે, કથનમાં તો થોડીક જ આવે.
છતાં એકેક શક્તિ અનંતશક્તિની ગંભીરતાને લેતી આવે છે; એકેક શક્તિના વર્ણનમાં
અનંત શક્તિની ગંભીરતા ભરી છે.
જેમ દિવાળીના દિવસે આંગણમાં રંગોળી પૂરીને આંગણું શોભાવે છે, ને
દીવા પ્રગટાવે છે, –તેમ તારા ચૈતન્ય–આંગણામાં રત્નત્રયની રંગોળી પૂરીને
આત્માને શોભાવ...ને કેવળજ્ઞાન–દીપક પ્રગટાવ.