છે, વિદ્વાન પુરુષો તે જ સુખને ચાહે છે કે જેમાં મન વિષયોથી નિવૃત્ત થઈ જાય છે–ચિત્ત
સંતુષ્ઠ થાય છે; પરંતુ એવું નિરાકુળ સુખ તે વિષયાન્ધ મનુષ્યોને ક્યાંથી પ્રાપ્ત થાય, કે
જેમનું ચિત્ત સદાય વિષયોની પ્રાપ્તિ કરવા માટે ખેદખિન્ન થઈ રહ્યું છે! બાહ્યવિષયોમાં
સુખ શોધનારને આકુળતા કદી મટતી નથી ને સુખ કદી મળતું નથી. વિષયોના
અનુભવથી પ્રાણીઓને જે સુખ લાગે છે તે પરાધીન છે, બાધાઓથી સહિત છે,
વ્યવધાન (અંતરાય) વાળું છે, અને કર્મબંધનું કારણ છે તેથી તે દુઃખ જ છે, વિષયો
દારૂણ વિષ જેવા છે, તે ભોગવતી વખતે રમણીય લાગે છે પણ ખરજવાની ખાજની
માફક તે દુઃખ દેનારા જ છે. જ્યાં સુધી મનમાં વિષયોની ઈચ્છા વિદ્યમાન છે ત્યાં સુધી
જીવનું સાચું સુખ કદી મળતું નથી. સાચું સુખ ત્યારે જ થાય છે કે જ્યારે મનમાંથી
વિષયોની ચાહ નીકળી જાય. સર્વાર્થસિદ્ધિના દેવોએ આત્માના અતીન્દ્રિય સુખને ચાખ્યું
છે અને વિષયોની ચાહના તેમના મનમાંથી નીકળી ગઈ છે તેથી બાહ્યવિષયો વિના જ
તેઓ ખરેખર સુખી છે. જગતમાં પ્રિય સ્ત્રીના સંસર્ગથી જ જીવોને જો સુખ થતું હોય તો
તો ગંધાતા કૂતરા–કાગડા–હરણ ને પક્ષી વગેરે તિર્યંચો પણ સુખી હોવા જોઈએ. જેમ
કડવા લીમડામાં ઉત્પન્ન થયેલ કીડો તેના કડવા રસના ભોગવટામાં પણ મધુરતા
માનીને રતિ કરે છે, તેમ સંસારરૂપી વિષ્ઠામાં ઉત્પન્ન થયેલો આ મનુષ્યરૂપી કીડો,
સ્ત્રીઆદિ વિષયોના ભોગવટામાં થતા ખેદને સુખ માનીને તેમાં લીન રહે છે!
વિષયસેવનની પ્રીતિને જ જો સુખ માનવામાં આવે તો, કૂતરા અને ભૂંડ જેને પ્રીતિથી
ખાય છે એવી વિષ્ઠામાં પણ સુખ માનવું જોઈએ. અરે, વિષયસેવનની ઈચ્છાવાળા
જંતુઓ નિંદ્યવસ્તુના સેવનમાં પણ મહાસુખ માને છે! વિષયોપભોગમાં આકુળ જીવનું
શરીર શિથિલ થઈ જાય છે, કંપે છે,–જો એવા જીવોને પણ સુખી કહેશો તો સંસારમાં
દુઃખી કોને કહેશો? મૂરખા જીવો જ વિષયસેવનમાં સુખની કલ્પના કરે છે. જેમ કૂતરાને
હાડકામાંથી જરાપણ રસ આવતો નથી, વ્યર્થ કલ્પનાથી જ તેમાં તે સુખ માને છે; તેમ
વિષયોના સેવનમાં પ્રાણીઓને જરાપણ સુખ પ્રાપ્ત થતું નથી, પણ મોહથી વ્યર્થ કલ્પના
કરીને તે પોતાને સુખી માને છે. વિષયોમાં સુખની આવી વિપરીત માન્યતા તે મિથ્યાત્વ
છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે કર્મોના ક્ષયથી કે ઉપશમથી જે આત્માનો સ્વાભાવિક
આહ્લાદ ઉત્પન્ન થાય છે તે જ સુખ છે. તે સુખ અન્ય વસ્તુઓના આશ્રયે કદી ઉત્પન્ન
થતું નથી.