: ૧૬ : આત્મધર્મ : પોષ : ૨૪૯૩
* જેમ સસલાનાં શીંગડાનું વહાણ બને જ નહિ, કેમકે સસલાને શીંગડું હોતું
જ નથી;
* મૃગજળમાં વહાણ તરે નહિ કેમકે ત્યાં પાણી જ નથી;
* વંધ્યાસૂત વહાણમાં ચડે નહિ કેમકે વંધ્યાને સૂત હોય જ નહિ.
* ને આકાશનાં પુષ્પ કોઈ ભરે નહિ કેમકે તે હોતાં જ નથી.
* તેમ પરદ્રવ્યની ક્રિયા આત્મા કરે નહિ, કેમકે તેમાં આત્માનું અસ્તિત્વ નથી.
જેમાં પોતાનું અસ્તિત્વ જ નથી તેની ક્રિયા કરવા માગે તો તેની બુદ્ધિ
મિથ્યા છે; એ મિથ્યાબુદ્ધિ દુઃખદાયક છે.
જીવ એક અખંડ દ્રવ્ય છે, તેનું જ્ઞાનસામર્થ્ય પરિપૂર્ણ છે. –તેથી કહે છે કે ભાઈ,
પરથી ભિન્ન તારો આત્મા નિત્ય સમ્પૂર્ણ સ્વગુણથી પૂરો છે. તારી એકેક શક્તિ નિત્ય ને
સમ્પૂર્ણ છે. તારું જીવત્વ તારાથી સમ્પૂર્ણ છે, નિત્ય ટકતા સંપૂર્ણ જીવનથી તું ભરેલો છો.
તારામાંથી જ તારું સંપૂર્ણ જીવન, તારું સંપૂર્ણજ્ઞાન, તારું સંપૂર્ણ સુખ પ્રગટ થાય–એવો
નિત્ય સંપૂર્ણ તારો સ્વભાવ છે.
સ્વની પૂર્ણતા સ્વમાં ને પરની પૂર્ણતા પરમાં; ત્યાં કોણ કોનું શું કરે? જો વસ્તુની
પર્યાયનો કર્તા બીજો હોય તો વસ્તુની પૂર્ણતા ક્્યાં રહી? અરે, તારું આનંદમય કાર્ય
તારા આનંદગુણની સમ્પૂર્ણતામાંથી જ થાય છે, બીજેથી તે આવતું નથી. તારી
આનંદપર્યાયમાં શું પરદ્રવ્ય આવ્યું છે કે તે તને શાંતિ આપે? પરદ્રવ્ય તો કાંઈ તારી
આનંદપર્યાયમાં આવ્યું નથી. તારી આત્મવસ્તુ તારી નિજશક્તિથી જ પોતાની
આનંદપર્યાયમાં વર્તે છે; બીજાનો તેમાં પ્રવેશ નથી.
અહા, સ્વાધીનવસ્તુસ્થિતિ સમજતાં સ્વાશ્રયે અપૂર્વ સમરસ પ્રગટે છે. બ્રહ્માંડના
ભાવોથી જુદો પડીને નિજસ્વરૂપની સમ્પૂર્ણતામાં આવ્યો, તેના આશ્રયે સમ્પૂર્ણ જ્ઞાન,
સંપૂર્ણ આનંદ, સંપૂર્ણ જીવન પ્રગટ થાય છે. આ રીતે સ્વ–પરનું ભેદજ્ઞાન ને
નિજસ્વરૂપની સંપૂર્ણતાને દેખાડે છે, ને તેના ફળમાં સંપૂર્ણતા પ્રગટ થાય છે.