બાહિર નારકીકૃત દુઃખ ભોગે
અંતર સુખરસ ગટાગટી
એ જીવ! દેહાદિથી ભિન્ન શુદ્ધાત્માને જાણ! –એમ
વારંવાર ઉપદેશ દેવા છતાં જીવે તે ધ્યાનમાં લીધું નહિ, ને
તીવ્ર પાપોમાં રચ્યોપચ્યો રહ્યો. તેથી મરીને ગયો...
ક્્યાં? નરકમાં.
નરકમાં તે પાપનાં ફળમાં અનેક પ્રકારનાં અસહ્ય
દુઃખો ભોગવતો હતો. પરમાધામીઓએ તેને પકડીને પરાણે
તાંબાના ધગધગતા કોથળામાં પૂર્યો...અને પછી–
કોથળાનું મોઢું પેક કરીને લોખંડના મોટા ઘણથી
પીટવા માંડયો, ને ચારેકોર તીક્ષ્ણભાલાથી વીંધવા લાગ્યા,
નીચે અગ્નિની મોટી જ્વાળા કરીને કોથળો સેકવા માંડયો; એ
વખતે અંદર બેઠેલા જીવને શું થતું હશે!!
કોથળામાં સેકાતા તે જીવને વિચાર જાગ્યો કે અરે!
આવાં દુઃખ! ને આવું વેદન! પૂર્વે મુનિઓએ મને શુદ્ધાત્માનું
શ્રવણ કરાવેલું પણ મેં તે વખતે લક્ષમાં ન લીધું. ત્યારે
આત્મહિતની દરકાર કરી હોત તો આ દુઃખ ન હોત...આવા
વિચારથી પરિણામમાં વિશુદ્ધતા થવા લાગી... ‘આ દુઃખથી
જુદું મારું કોઈ તત્ત્વ અંદરમાં છે, –મને મુનિઓએ તે
સંભળાવ્યું હતું.’ –અને બીજી જ ક્ષણે–
કોથળામાં પુરાયેલા તે જીવને પોતાના શુદ્ધ ચૈતન્ય
તત્ત્વની દ્રષ્ટિ થઈ...દુઃખથી જુદું કોઈ અપૂર્વ સ્વસંવેદન
પ્રગટ્યું...ઘણથી ટીપાવાના, ભાલાથી ભેદાવાના ને અગ્નિમાં
સેકાવાના એ જ સંયોગો વચ્ચે એ કોથળામાં એને
અતીન્દ્રિયસુખનું વેદન થયું! ‘બાહિર નારકી કૃત દુઃખ ભોગે,
અન્તર સુખરસ ગટાગટી.’
નરકમાં આવા સંયોગ વચ્ચે આ જીવ સમ્યક્ત્વ
પામ્યો–ને સ્વઘરના પરમઆનંદનું વેદન કર્યું...તો હે જીવ! તું...!!
ચારગતિ દુઃખથી ડરે તો તજ સૌ પરભાવ,
શુદ્ધાતમ ચિન્તન કરી, લે શિવસુખનો લ્હાવ.