Atmadharma magazine - Ank 280
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 47

background image
: ૧૬ : આત્મધર્મ : માહ : ૨૪૯૩
આવા ઉત્તમ પુત્ર–પુત્રીઓના પરિવારથી શોભતા ભગવાન એકવાર સિંહાસન
પર બિરાજતા હતા; ત્યાં બ્રાહ્મી અને સુન્દરી બંને પુત્રીઓએ આવીને વિનયપૂર્વક
પિતાજીને પ્રણામ કર્યા. ત્યારે ભગવાને તેમને ગોદમાં બેસાડીને મસ્તક પર હાથ ફેરવ્યો,
મસ્તક સુંઘ્યું ને પછી હસતાંહસતાં કહ્યું–બેટી, આવો! તમે એમ ધારતા હશો કે આજે
અમે દેવોની સાથે અમરવન જઈશું,–પરંતુ હવે એમ નહિ બની શકે, કેમકે દેવો તો
પહેલાં જ ચાલ્યા ગયા છે. એમ ક્ષણભર ભગવાને તે પુત્રીઓ સાથે ક્રીડા કરી તથા
તેમના શીલ અને વિનયની પ્રશંસા કરી. પછી કહ્યું કે–તમારું બંનેનું આવું સુંદર શરીર
અને અનુપમ શીલ, તેને જો વિદ્યાવડે વિભૂષિત કરવામાં આવે તો તમારો જન્મ સફળ
થઈ જાય. આ લોકમાં વિદ્યાવાન મનુષ્ય પંડિતોવડે સન્માન પામે છે; વિદ્યા જ સાચો
ભાઈ અને વિદ્યા જ સાચો મિત્ર છે, વિદ્યા જ સાથે રહેનારૂં ધન છે; સાચી વિદ્યાવડે સર્વ
મનોરથ સિદ્ધ થાય છે. માટે હે પુત્રીઓ! તમે વિદ્યાને ગ્રહણ કરો.
એમ કહીને ભગવાને તે બંને પુત્રીઓને વારંવાર આશીર્વાદ આપ્યા, અને
પોતાના ચિત્તમાં સ્થિત શ્રુતદેવતાનું સ્મરણ કરીને બંને હાથવડે अ आ વગેરે
અક્ષરમાળા તથા १ २ ३ વગેરે અંકો શીખવ્યા. ભગવાનના મુખથી નીકળેલી અને
સિદ્ધમાતૃકા જેનું નામ છે, તથા ‘सिद्धं नमः’ એવું અત્યંત પ્રસિદ્ધ જેનું મંગળાચરણ છે–
એવી શુદ્ધ અક્ષરાવલી, તેમજ ગણિત, વ્યાકરણ, કાવ્ય વગેરે સમસ્ત વિદ્યાઓ બ્રાહ્મી
તથા સુંદરીએ ધારણ કરી. પિતા જ જેના ગુરુ છે એવી તે બંને પુત્રીઓ વિદ્યાવડે
સરસ્વતી સમાન શોભવા લાગી. ભગવાને ભરત–બાહુબલી વગેરે સર્વે પુત્રોને પણ
ચિત્રકળા, નાટ્યકળા વગેરે અનેક પ્રકારની વિદ્યાઓ ભણાવી અને સાથેસાથે
આત્મજ્ઞાનરૂપ અધ્યાત્મવિદ્યાના પણ ઉત્તમ સંસ્કારો આપ્યા.
(આગામી અંકે રાજ્યાભિષેક, વૈરાગ્ય અને દીક્ષા)