: માહ : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
બધા મનુષ્યો અને દેવોનું જેટલું બળ થાય તેના કરતાં અનેકગણું વધારે બળ તે
ચક્રવર્તીની ભૂજાઓમાં હતું. તેનો આકાર અને સ્વભાવ બંને સુંદર હતા. તે એક દિવ્ય
મનુષ્ય હતો ને તેની ચેષ્ટાઓ અદ્ભુત હતી. વિશિષ્ટ પુણ્યને લીધે તેને આવી લોકોત્તર
સંપદા મળી હતી.
જેમને અરિહન્તપદની લક્ષ્મી પ્રાપ્ત થવાની છે એવા ભગવાન ઋષભદેવ,
ભરતના આનંદકારી મુખને દેખતા હતા; ને જ્યારે મધુર વચનસહિત પ્રણામ કરીને તે
બેઠો થાય ત્યારે વારંવાર આલિંગન કરીને તેને પોતાની ગોદમાં બેસાડતા હતા.
પૂર્વભવના બીજા સાથીદારો પણ સર્વાર્થસિદ્ધિમાંથી ભગવાન ઋષભદેવના પુત્ર
તરીકે યશસ્વતીની કુંખે અવતર્યા. જે ભગવાનની વજ્રજંઘપર્યાયમાં અકંપનસેનાપતિ
હતો ને વજ્રનાભિપર્યાયમાં પીઠ નામનો ભાઈ હતો તે વૃષભસેન નામનો પુત્ર થયો.
જે ધનમિત્રશેઠ તથા મહાપીઠ નામનો ભાઈ હતો તે અનંતવિજય નામનો પુત્ર
થયો.
સિંહનો જીવ જે પૂર્વે વિજય નામનો ભાઈ હતો તે અનંતવીર્ય નામનો પુત્ર થયો.
ભૂંડનો જીવ જે પૂર્વે વૈજયન્ત નામનો ભાઈ હતો તે અચ્યુત નામનો પુત્ર થયો.
વાંદરાનો જીવ જે પૂર્વે જયન્ત નામનો ભાઈ હતો તે વીર નામનો પુત્ર થયો.
નોળિયાનો જીવ જે પૂર્વ ભવમાં અપરાજિત નામનો ભાઈ હતો તે વરવીર
નામનો પુત્ર થયો.
તે ઉપરાંત બ્રાહ્મી નામની એક પુત્રી થઈ.
આનંદપુરોહિતનો જીવ જે પૂર્વ ભવમાં મહાબાહુ નામનો ભાઈ હતો તે
સર્વાર્થસિદ્ધિમાંથી ચ્યવીને સુનન્દારાણીની કુંખે બાહુબલી નામનો પુત્ર થયો; તથા
વજ્રજંઘપર્યાય વખતે જે અનુંધરી નામની બહેન હતી તે અહીં સુંદરી નામની સુંદર પુત્રી
થઈ.
એ પ્રમાણે ભગવાન ઋષભદેવને કુલ ૧૦૧ પુત્રો થયા. તે બધાય પ્રતાપી અને
ચરમશરીરી હતા. ભગવાન ઋષભદેવ પ્રથમ તીર્થંકર હતા, તો તેમના પ્રતાપી પુત્રોમાં
ભરત પ્રથમ ચક્રવર્તી, બાહુબલી પ્રથમ કામદેવ અને વૃષભસેન પ્રથમ ગણધર હતા.
અહા! કેવો મહાન પરિવાર!