એક મોટી દુકાન
[ દુકાન જ્ઞાનીએ જોઈ ખરી, પણ લીધું નહીં કાંઈ ]
એક મોટી દુકાનમાં અનેકવિધ તરેહતરેહનો માલ ભર્યો હતો. એક માણસે
તે દુકાન જોઈ; બધું જોયા બાદ તેણે સન્તોષ વ્યક્ત કરીને જવા માંડ્યું. ત્યારે
દુકાનદાર કહે છે કે કાંઈક ખરીદ તો કરો!
તે માણસે કહ્યું: ભાઈ, તમારી દુકાન સારી છે પણ મારે આમાંથી કોઈ વસ્તુની
જરૂર નથી, તેથી હું તે લઈને શું કરું.
તમે દુકાનની પ્રશંસા કરો છો પરંતુ ખરીદતા તો કાંઈ નથી! –એમ કહ્યું, ત્યારે તે
કહે છે કે સાંભળ ભાઈ!
ધારો કે તમે એક દવાની દુકાન જોવા ગયા, બધી જાતના રોગની ઊંચામાં ઊંચી
દવાઓ ત્યાં જોઈને તમે સન્તોષ વ્યક્ત કર્યો. પરંતુ તમે તેમાંથી કોઈ જ દવા ખરીદ ન
કરી, કેમકે તમને કોઈ જ રોગ ન હોવાથી તમારે દવાની જરૂર ન હતી. તો તે ઉત્તમ? કે
તમારે દવા લેવી પડે તે ઉત્તમ?
દવા ન લેવી પડે તે ઉત્તમ, કેમકે તે નીરોગતા સૂચવે છે.
તેમ આ જગતરૂપી જે મોટી દુકાન, તે જડ–ચેતન સમસ્ત પદાર્થોથી ભરેલી છે,
બધી વસ્તુઓ પોતપોતાના સ્વરૂપમાં શોભી રહી છે. ત્યાં જેને ઈચ્છારૂપી રોગ લાગુ
પડ્યો છે તે તો પરપદાર્થોને સુખહેતુથી ગ્રહણ કરવા માંગે છે. પણ જ્ઞાની તો કહે છે કે હું
મારા સ્વરૂપથી પરિપૂર્ણ છું, મારા સ્વરૂપથી જ હું તૃપ્ત ને સંતુષ્ટ છું, ઈચ્છારૂપી રોગ જ
મને નથી, પછી હું પરદ્રવ્યના ગ્રહણને શું કરું? દવા ભલે ગમે તેવી ઊંચી હોય પણ જેને
રોગ જ નથી તેને તેનું શું પ્રયોજન છે? તેમ પદાર્થો ભલે ગમે તેવા હોય પણ જેને
ઈચ્છા જ નથી તેને તેનું શું પ્રયોજન છે? તે તો માત્ર જ્ઞાન કરીને જ સંતુષ્ટ થાય છે.
તેનું જ્ઞાન નીરોગ છે–આકુળતા વગરનું છે; ને આવું નીરોગ–નીરાકુળ જ્ઞાન તે જ સુખ
છે. જ્ઞાનમાં તૃપ્ત એવો તે જીવ જગતના પદાર્થોને જાણે છે પણ તેમાંથી કોઈને ગ્રહવા
ઈચ્છતો નથી. પોતામાં જે અતૃપ્ત હોય તે જ બીજાને ગ્રહવા ઈચ્છે. પર ગ્રહણની જેને
ઈચ્છા છે તે દુઃખી છે, સ્વરૂપમાં જે તૃપ્ત છે તે સુખી છે.