: ફાગણ : ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
લઈને હું તેમનું સ્વાગત કરું છું. એક સામાન્ય મહેમાન આંગણે પધારે તોપણ લોકો
શોભા–શણગાર ને સ્વચ્છતા કરે છે; અહીં તો સાધક અનંત સિદ્ધ ભગવંતોને આંગણે
પધરાવે છે,
–તો તેના જ્ઞાનમાં કેટલી સ્વચ્છતા હોય? રાગની મલિનતાનો જ્યાં આદર હોય ત્યાં તે
મલિન આંગણામાં સિદ્ધ ભગવંતો ન પધારે; રાગથી ભિન્ન અંતર્મુખ થયેલું જે
સ્વસંવેદનરૂપ પવિત્ર જ્ઞાન, તે જ્ઞાનના આંગણાને સમ્યગ્દર્શન વડે શોભાવીને ધર્મીજીવ
અનંત સિદ્ધ ભગવંતોને પોતાના આંગણે પધરાવે છે, તેમનું સ્વાગત કરે છે એટલે કે
શુદ્ધઆત્માનો જ આદર કરે છે.–આ સાધકદશાનું અપૂર્વ મંગળ છે. સંસાર તે વિકાર છે
ને મોક્ષ તે પૂર્ણ શુદ્ધતા છે; એવી શુદ્ધતાને પામેલા સિદ્ધ ભગવંતો સ્વાનુભૂતિરૂપ
આનંદની અનુભૂતિથી પ્રકાશમાન છે. તે સિદ્ધ ભગવંતોને હું મારા શાંતિના સ્વયંવરમાં,
એટલે કે મુનિદશાના મહોત્સવમાં આમંત્રીને તેમનું સ્વાગત કરું છું એટલે કે હું મારા
આત્મામાં વીતરાગી સમભાવરૂપ ચારિત્રદશા પ્રગટ કરું છું–એમ કહીને પ્રવચનસારમાં
આચાર્યદેવે અપૂર્વ માંગળિક કર્યું છે.
હે સિદ્ધો, હે પંચ પરમેષ્ઠિ ભગવંતો! શુદ્ધોપયોગી ચારિત્રદશારૂપ જે મોક્ષનો
મહોત્સવ–તેમાં આપ પધારો, આપને સાક્ષીરૂપે સાથે લઈને હું મોક્ષને સાધવા નીકળ્યો
છું, તેથી મારી મોક્ષપરિણતિમાં વચ્ચે વિઘ્ન આવવાનું નથી.
જે જ્ઞાને અનંત સર્વજ્ઞ–સિદ્ધોને પોતામાં સ્થાપીને તેમનું સ્વાગત કર્યું તે જ્ઞાન
રાગથી જુદું પડ્યું ને આનંદરૂપ થયું. હું સિદ્ધને વંદન કરું છું એટલે તેના જેવા
શુદ્ધાત્માનો જ આદર કરું છું ને એનાથી વિરુદ્ધ કોઈ ભાવનો આદર કરતો નથી. હે
શ્રોતાઓ! મારા ને તમારા આત્મામાં હું સિદ્ધને સ્થાપું છું: પધારો પ્રભુ પધારો! અમારા
જ્ઞાનનું લક્ષ સિદ્ધપદ પ્રાપ્ત કરવા ઉપર છે, વચ્ચે રાગનો કે સંયોગનો આદર નથી;
અમારા જ્ઞાનની પરિણતિ હવે સિદ્ધસ્વરૂપ તરફ જ ઢળશે.–આમ સિદ્ધસ્વરૂપને ધ્યેયપણે
રાખીને આ સમયસાર હું કહું છું ને તમે પણ એવા જ ધ્યેયે તેનું શ્રવણ કરજો. આ રીતે
જે સમયસાર સાંભળે તેનો મોક્ષ થયા વગર રહે નહિ. તેને સમ્યગ્દર્શનાદિ અપૂર્વ
સાધકભાવની શરૂઆત થાય છે, તે માંગળિક છે. આ રીતે જયપુરમાં સિદ્ધોના
સ્વાગતરૂપ મંગળ કર્યું.