Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 45

background image
: ૨૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
ભારતના પાટનગરમાં જિનવાણીની અમૃત વર્ષા
જૈનસમાજના નેતા અને ભારતના અજોડ
અધ્યાત્મ સંત પૂ. શ્રીકાનજીસ્વામી તા. ૧૭–૧૮–૧૯
એપ્રિલના ત્રણ દિવસ દિલ્હી શહેરમાં પધાર્યા ને
દિલ્હીની જનતાને જે અધ્યાત્મસન્દેશ સંભળાવ્યો તેનો
થોડોક સાર અહીં આપ્યો છે.
બ્ર. હરિલાલ જૈન
આત્માનો એકત્વ–વિભક્ત સ્વભાવ જીવે કદી જાણ્યો નથી. પરથી ભિન્ન,
દેહથી ભિન્ન ને રાગાદિ વિકારથી પણ વિભક્ત, અને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ
સાથે એકમેક એવા આત્મસ્વભાવને જાણ્યા વગર જીવ સંસારની ચાર ગતિમાં
રખડી રહ્યો છે. પુણ્ય કરીને સ્વર્ગાદિમાં ને પાપ કરીને નરકાદિમાં–એમ ચાર
ગતિના ભવચક્રમાં ભ્રમણ કરી રહ્યો છે. એ ભવનો આંટો કેમ મટે? તેની આ વાત
છે. શ્રીમદ્ રાજચંદ્રજી ૧૬ વર્ષની નાની વયમાં ભવચક્રનો આંટો મટાડવાની વાત
કરતાં લખે છે કે–
બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહી એકે ટળ્‌યો.
આત્માના ભાન વગર પુણ્ય કરે તેથી મનુષ્યાદિનો ભવ મળે પણ તેનાથી
ભવચક્ર મટે નહિ. ભવચક્રનો આંટો મટાડવાનો ઉપાય શુભ–અશુભ રાગથી પાર છે;
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ શાશ્વત વસ્તુ છે. આ દેહના રજકણ જુદી ચીજ છે, તેની ક્રિયા
આત્માની નથી. અરે, રાગની ક્રિયા પણ ખરેખર આત્માની નથી. જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માનો જેને અનુભવ નથી તે જ રાગની ક્રિયાનો કર્તા થાય છે. જ્ઞાનને ભૂલીને
ક્રોધાદિ પરભાવનો જે કર્તા થયો એટલે કે પરભાવ સાથે એકત્વબુદ્ધિરૂપ પ્રેમ કર્યો
તેને આત્માના સ્વભાવ ઉપર ક્રોધ છે, અરુચિ છે; તેને શાસ્ત્રો મિથ્યાત્વ કહે છે ને તે
જ સંસારનું મૂળ છે.
પ્રભો! તું તો જ્ઞાન છો; તારા જ્ઞાનની જે ચીજ નથી એવી પરચીજનું કર્તૃત્વ તું
તારામાં માને છે તે બડી ભૂલ છે. તે મિથ્યાત્વને શાસ્ત્રોએ મહાપાપ કહ્યું છે.