: ૮ : આત્મધર્મ : જેઠ :
૨૪૯૩
અપાર સુખથી ભરેલો આત્મવૈભવ
(“આત્મવૈભવ” પુસ્તકનું એક પ્રકરણ)
(ગતાંકથી ચાલુ)
પૂ. ગુરુદેવને અત્યંત પ્રિય એવા ૪૭ શક્તિનાં
પ્રવચનોમાંથી સુખશક્તિનો આ નમુનો છે. શરૂનો
ભાગ આત્મધર્મના ગતાંકમાં આપ્યો છે; ત્યારપછીનો
ભાગ અહીં આપ્યો છે. આ પ્રવચનો ‘આત્મવૈભવ’
નામના પુસ્તકરૂપે છપાઈ રહ્યા છે.
દરેક શક્તિ પોતે કારણ, ને તેની જે નિર્મળ પર્યાય પ્રગટી તે તેનું કાર્ય;
બીજું કારણ નહિ, બીજું કાર્ય નહિ; ને કારણ–કાર્ય વચ્ચે સમયભેદ નહિ. ‘કારણને
અનુસરીને થાય તેને કાર્ય કહેવાય’;–એટલે, જેમકે સુખશક્તિ કારણરૂપ છે તેને
અનુસરીને પર્યાયમાં તેવું સુખ પ્રગટે તે સુખશક્તિનું ખરું કાર્ય છે. જો આનંદ ન
પ્રગટે ને પરાધીન થઈને આકુળતા પ્રગટે તો તેને આત્માના આનંદગુણનું કાર્ય
કહેવાય નહિ. જેવો ગુણ છે તેવી જાતની પર્યાય પ્રગટ્યા વગર ગુણના ખરા
સ્વરૂપની પ્રસિદ્ધિ થાય નહિ.
ગુણનું સાચું કાર્ય તેની સદ્રશ જાતિનું હોય, વિરુદ્ધ ન હોય. જેમ સોનામાંથી
જે દાગીનો બને તે સોનાનો હોય, લોઢાનો ન હોય; તેમ સુખગુણનું કાર્ય સુખ
હોય, સુખનું કાર્ય દુઃખ ન હોય. સુખગુણ જેવો ત્રિકાળ છે તેવું સુખ પર્યાયમાં
પ્રગટે ત્યારે સુખસ્વભાવી આત્મા પ્રતીતમાં આવ્યો કહેવાય; ને ત્યારે
‘આત્મપ્રસિદ્ધિ’ થઈ કહેવાય.
અહો, વીતરાગમાર્ગમાં આ બહુ ઊંચી વસ્તુ છે...આત્માનો અચિન્ત્ય વૈભવ
વીતરાગી સન્તોએ દેખાડયો છે. આત્મા અનંતગુણનું ધામ છે તેને અનુભવમાં
પકડીને તેના જેવું સમ્યક્ કાર્ય પ્રગટે ત્યારે આત્માની સાચી શ્રદ્ધા ને ભેદજ્ઞાન થયું
કહેવાય; ત્યારે આકુળતા વગરનું સાચું સુખ વેદાય, ને પરમાં સુખની
મિથ્યાકલ્પના મટે.