અનાદિથી અજ્ઞાનભાવે રાગને ભેટતી તે પર્યાયમાં દુઃખ હતું. હવે આનંદસ્વભાવને
ભેટતાં જે સુખપરિણતિ પ્રગટી તેમાં આકુળતાનો અભાવ છે; અનંતગુણના રસનું
વેદન આનંદમાં સમાયેલું છે. આ રીતે શુદ્ધતાનો સદ્ભાવ ને અશુદ્ધતારૂપ
વ્યવહારનો અભાવ–આવો અનેકાન્તસ્વરૂપ આત્મા છે. આવા આત્માનું ભાન થાય
ત્યાં મુક્તિ થયે છૂટકો. જેમ બીજ ઊગી તે વધીને પૂર્ણિમા થયે છૂટકો, તેમ
સમ્યગ્દર્શન થતાં ભેદજ્ઞાનરૂપી બીજ ઊગી તે વધીને કેવળજ્ઞાન થયે જ છૂટકો. અહો,
ચૈતન્યગુણના ભંડારને એકવાર સ્પર્શે, નજરમાં લ્યે, ધ્યેયરૂપ કરે, તેનો ભેટો કરે,
લક્ષમાં લ્યે, રુચિ–પ્રતીત ને જ્ઞાન કરે, ત્યાં અપૂર્વ આનંદનો અંશ પ્રગટે ને તે વધીને
પૂર્ણ આનંદરૂપ મોક્ષદશા થાય. એકવાર રાગથી ભિન્ન થઈને જ્ઞાનનો સમ્યક્ અંશ
પ્રગટ્યો ત્યાં રાગનો સર્વથા અભાવ કરીને અલ્પકાળમાં કેવળજ્ઞાન લીધે છૂટકો.
આત્માને ઓળખે તેને મોક્ષ થયે છૂટકો.
ક્રિયાના છએ કારકો પોતામાં જ છે. વાહ, જુઓ તો ખરા! આત્મામાં આવા
સ્વભાવો ભર્યા છે. આ સ્વભાવ આનંદના દાતાર છે; એને જાણતાં આનંદ થાય છે.
આત્માનો આવો સ્વભાવ ખ્યાલમાં ને અનુભવમાં આવી શકે તેવો છે; સન્તોએ તે
પ્રગટ અનુભવમાં લઈને આ વાત પ્રસિદ્ધ કરી છે. પોતે જે વૈભવ અનુભવ્યો તે
જગતને દેખાડ્યો છે, ને પરાશ્રયની દીનતા ટાળી છે. ભાઈ, પરની સહાય વગર
તારો આનંદ પ્રગટે છે ને પરની સહાય વગર જ તે વધીને પૂરો થાય છે; તેમાં
શરીરની, રાગની કે બીજા કોઈની મદદ નથી. કેવળજ્ઞાન ને પૂર્ણ આનંદ પ્રગટે એવા
સામર્થ્યનો પિંડ તું પોતે છો. અંતર્મુખ થઈને પોતે પોતાના આવા સ્વભાવને પ્રત્યક્ષ
કરી શકે છે. ને આવા સ્વસંવેદનવડે આત્માનો અચિંત્ય વૈભવ ખુલે છે.
વ્યક્ત કર. એ માટે તારે બહાર ક્યાંય જોવું પડે તેમ નથી, બીજા