Atmadharma magazine - Ank 284
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 45

background image
: ૧૦ : આત્મધર્મ : જેઠ : ૨૪૯૩
જુઓ ભાઈ, આ તો અંતરમાં બિરાજમાન ચૈતન્યરાજાના વૈભવની વાત
છે. દુનિયામાં રાજા કેવો ને તેનો વૈભવ કેવો, ક્યાં લડાઈ થઈ ને કોણ જીત્યું એ
બહારનું જાણવાનો જીવને કેવો રસ છે? પણ અરે ચેતનરાજ! તારો પોતાનો
વૈભવ કેવો અપાર છે તે તો જાણ! તેની વાત તો ઉત્સાહથી સાંભળ! જગતમાં
સૌથી મોટો મહિમાવંત ચેતનરાજા તું છો, તારા અચિંત્ય ચૈતન્યવૈભવની પાસે
ચક્રવર્તીના રાજનીયે કાંઈ કિંમત નથી. અનંત ગુણનો અચિંત્યવૈભવ તારા
અસંખ્યપ્રદેશી સ્વરાજમાં સર્વત્ર ઠાંસી ઠાંસીને ભરપૂર ભર્યો છે. અનંતગુણને
રહેવા માટે ક્ષેત્ર પણ અનંત હોવું જોઈએ–એવું કાંઈ નથી. જેમ અનંતાનંતપ્રદેશી
આકાશમાં તેના અનંતા ગુણો રહેલા છે તેમ એકપ્રદેશી પરમાણુમાં પણ તેના
અનંતગુણો રહેલા છે. અનંતપ્રદેશી આકાશ કે એકપ્રદેશી પરમાણુ–બંનેનું અસ્તિત્વ
પોતપોતાના અનંતગુણથી પરિપૂર્ણ છે. આકાશનું ક્ષેત્ર મોટું માટે તેનું સામર્થ્ય
મોટું ને પરમાણુનું ક્ષેત્ર નાનું માટે તેનું સામર્થ્ય ઓછું–એમ ક્ષેત્ર ઉપરથી શક્તિનું
માપ નથી. નાનામાં નાનો પરમાણુ ને મોટામાં મોટું આકાશ–એ બંનેનું અસ્તિત્વ
પોતપોતાના સ્વભાવમાં પરિપૂર્ણ છે. તેમ આત્મા અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં
અનંતાગુણ–સ્વભાવોથી પરિપૂર્ણ છે.
જુઓ તો ખરા, વસ્તુનો અચિંત્યસ્વભાવ! અચિંત્ય વસ્તુસ્વભાવમાંથી
સુખનાં ઝરણાં ઝરે છે. આત્મા અસંખ્યપ્રદેશી (આખા લોકના જેટલા પ્રદેશો છે
તેટલા પ્રદેશોવાળો), તેનો દરેક ગુણ પણ તેવડો જ અસંખ્યપ્રદેશી, ને તેની
પરિણતિમાં આનંદ વગેરેનો જે અંશ ખીલ્યો તે પણ તેવડો જ અસંખ્યપ્રદેશી છે.
દ્રવ્ય–ગુણ–ત્રિકાળ ને પરિણતિ એક સમયની છતાં ક્ષેત્ર બંનેનું સરખું છે. એક જ
ક્ષેત્રમાં અનંત ગુણો એકસાથે, છતાં એક ગુણ તે બીજો ગુણ નહિ; ક્ષેત્રથી ભિન્ન
નહિ પણ ભાવથી ભિન્ન છે. આવા ભિન્ન ભિન્ન અનંત ગુણોનું બેહદસામર્થ્ય
આત્મામાં ભરેલું છે. આવા આત્મવૈભવને જાણે (એટલે કે ભૂતાર્થ સ્વભાવને
જાણે) તો જૈનદર્શન જાણ્યું કહેવાય. આત્માના શુદ્ધસ્વભાવને અનુભવમાં લેવો તે
જ સર્વ જૈનસિદ્ધાંતનો સાર છે.
સુખ આત્માના સ્વભાવમાં સદાય ભર્યું છે; આવા ચૈતન્યસ્વભાવને જાણતાં
અનાકુળતા પ્રગટે છે, તે સુખશક્તિનું કાર્ય છે. પર્યાયે અંદરમાં જઈને,