: અષાડ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૭ :
જ્યારે આ બે પ્રશ્નો પૂછાય ત્યારે પહેલા પ્રશ્નનો જવાબ સોએ સો ટકા ‘હા’ આવશે ને બીજા
પ્રશ્નનો જવાબ સોએ સો ટકા ‘ના’ આવશે. (કોઈ કોઈ સભ્યોએ એમ લખ્યું છે કે
અત્યારસુધી રાત્રે ખાતા, પણ હવેથી નહીં ખાઈએ.)
કોયડામાં પૂછેલું સરસ મજાનું તીર્થધામ–એ છે “ગીરનાર” ગીરનાર એ સૌરાષ્ટ્રનું
ગૌરવ છે. શ્રીકૃષ્ણને એ વહાલું હતું; શ્રી નેમિનાથ ભગવાનના દર્શન કરવા તેમ જ બીજા
અનેક પ્રસંગે તેઓ ગીરનાર ગયા હતા. ભગવાન શ્રી નેમિનાથ તીર્થંકરે આ ગીરનારના
હજાર આંબાના વનમાં (સહસ્રામ્રવનમાં) દીક્ષા લીધી હતી, તેઓ કેવળજ્ઞાન પણ ત્યાં જ
પામ્યા હતા, ને મોક્ષ પણ એની પાંચમી ટૂંકેથી પામ્યા હતા; બૌંતેર કરોડ અને સાતસો
મુનિવરો આ ગીરનાર ઉપરથી મોક્ષ પામ્યા છે. શ્રીકૃષ્ણના પુત્રો–પ્રદ્યુમ્નકુમાર, શમ્બુકુમાર,
અનિરુદ્ધકુમાર, પણ અહીંથી સિદ્ધપદ પામ્યા છે. આ તીર્થની ચંદ્રગુફામાં શ્રી ધરસેનાચાર્ય,
પુષ્પદંત–ભૂતબલી વગેરે મુનિવરો રહેતા હતા. કુંદકુંદ સ્વામી પણ આ તીર્થની યાત્રા કરવા
મોટા સંઘસહિત પધાર્યા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી ઊંચું અને અત્યંત પ્રસિદ્ધ એવું આ પાવન
તીર્થ, તેને શોધતાં સૌરાષ્ટ્રવાસીને વાર કેમ લાગે? વાદળથી ઊંચા એવા આ ગગનચૂંબી
તીર્થરાજ ચારે બાજુ પચીસ પચીસ માઈલ દૂરથી દર્શન આપે છે ને ભક્તોને આકર્ષે છે. તમેય
આ તીર્થ ન જોયું હોય તો એકવાર જરૂર એની યાત્રા કરજો. એકવાર કરશો તો બીજીવાર
કરવાનું મન થશે! जय गिरनार
* * *
એક ફૂલ
પહાડની ઊંડી કંદરામાં એક સુગંધી ફૂલ ખીલ્યું હતું.
કોઈએ પૂછયું–રે ફૂલ! તું આ એકાકી જંગલમાં કેમ મહેકી
રહ્યું છે? અહીં નથી તો કોઈ તને જોઈને પ્રસન્ન થનાર, કે નથી
કોઈ તારી સુગંધ લેનાર!
ત્યારે ફૂલ કહે છે–હું એટલા માટે નથી ખીલતું કે કોઈ મને
જુએ, કે કોઈ મારી સુગંધ લઈને વાહ! વાહ! કરે, ખીલવું ને
સુગંધથી મહેકવું એ તો મારો સ્વભાવ જ છે! કેવી નિસ્પૃહતા!
આપણું જીવનપુષ્પ પણ એવું જ ખીલે ને સુગંધિત બને તો!
(‘અમરભારતી’ ના આધારે)
– * –