: ૩૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૩
[વાંચકોના વિચાર રજુ કરતો સૌનો પ્રિય વિભાગ]
* *
પ્રશ્ન:– કેવળજ્ઞાન થયા પછી તે ભગવાન તરત કેમ મોક્ષમાં જતા નથી? (નં. ૩૨૦
જામનગર)
ઉત્તર:– મોક્ષ એટલે આત્માની પૂર્ણ શુદ્ધતા; કેવળજ્ઞાન થયા પછી પણ જ્યાંસુધી
આત્મપ્રદેશોમાં કંપન વગેરે વિભાવ રહે છે ત્યાંસુધી અઘાતીકર્મો પણ રહે છે, ને ત્યાંસુધી
મોક્ષરૂપ પૂર્ણ શુદ્ધતા થતી નથી; જ્યારે તે પરભાવો પણ છૂટીને આત્મા પૂર્ણ શુદ્ધતારૂપે
પરિણમે છે ત્યારે અઘાતીકર્મો પણ છૂટી જાય છે; આને મોક્ષદશા કહે છે.
(અરવિંદ. જે. જૈન. નં. ૨૪૬ ગોંડલ) માતાઓ ને બહેનોમાં ધાર્મિક શિક્ષણના પ્રચાર
બાબતની આપની ભાવના સારી છે; માતાઓમાં ધાર્મિક શિક્ષણ હોય તો પુત્રોમાં પણ તેના
સંસ્કાર રેડાય,–એ વાત પણ બરાબર છે. પરંતુ ભાઈશ્રી, તે સંબંધી આયોજન કરવું તે આપણા
બાલવિભાગના કાર્યક્ષેત્રથી બહારની વસ્તુ છે. આપણા બાલવિભાગ દ્વારા તે પ્રકારનું જેટલું બની
શકે તેટલું ધાર્મિક સંસ્કારોનું સીંચન આપણે કરી જ રહ્યા છીએ.
પ્રશ્ન:– અભેદ આત્માનો વિચાર લાંબો ટાઈમ ટકતો નથી, વિકલ્પની ગડમથલ થાય
છે, તે ટાળવી કઈ રીતે? (No. 215)
ઉત્તર:– વિકલ્પના સમયે એકલા વિકલ્પને જ ન દેખો; પરંતુ તે વિકલ્પ વખતે જ
‘જ્ઞાન’ શું કાર્ય કરી રહ્યું છે–તેને દેખો...અને તે જ્ઞાનને જ પકડીને સ્વભાવ સુધી ઊંડે ઊંડે
ચાલ્યા જાઓ...વચ્ચે તમને કોઈ નહીં રોકે. વિકલ્પ આવે ત્યાં તેને પકડીને જીવ તેમાં અટકી
જાય છે એટલે તેનાથી આગળ વધી શકતો નથી. પણ જો વિકલ્પને ન પકડતાં તે વખતના
જ્ઞાનને પકડે તો જ્ઞાનબળે વિચારધારા અંર્તસ્વરૂપ તરફ આગળ વધે ને અંતે અભેદ
આત્માનો અનુભવ થાય.
પ્રશ્ન:– જીવનમાં પુરુષાર્થ કરવા જેવી કઈ વસ્તુ છે? (કિશોર જૈન. જસદણ No. 890)
ઉત્તર:– સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો પ્રયત્ન કર્તવ્ય છે; કેમકે ‘પુરુષનો અર્થ’ એટલે
આત્માનું પ્રયોજન મોક્ષ છે, અને તે મોક્ષની સિદ્ધિ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે થાય છે.
પ્રશ્ન:– આપણા આત્માનો પુરુષાર્થ સ્વતંત્ર છે કે કેમ? કેમકે આપણે પુરુષાર્થથી જે કાર્ય
કરીએ છીએ તે કાર્ય થવાનું તો કેવળીએ જોયું જ હતું! (શાંતિલાલ જૈન. No. 770 કલકત્તા)