Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 75

background image
: ૩૦ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
સમ્યગ્દર્શન માટે પ્રાપ્ત થયેલો
સોનેરી અવસર
(બીજું બધું ભૂલીને
આત્મદર્શન માટે કટિબદ્ધ થઈએ)
વીર સં. ૨૪૮૯ ના શ્રાવણ વદ બીજ–કે જે દિવસે
પૂ. બેનશ્રી ચંપાબેનનો પ૦ મો જન્મ દિવસ હતો–તે
દિવસના પ્રવચનમાં પૂ. ગુરુદેવે મોહક્ષયનો અપૂર્વ માર્ગ
દર્શાવ્યો...અહા, જે ઉપાય ઉલ્લાસથી સાંભળતાં પણ
મોહબંધન ઢીલા પડવા માંડે....અને જેનું ઊંડું અંતર્મથન
કરતાં ક્ષણવારમાં મોહ નાશ પામે એવો અમોઘ ઉપાય
સન્તોએ દર્શાવ્યો છે. જગતમાં ઘણો જ વિરલ ને ઘણો જ
દુર્લભ એવો જે સમ્યક્ત્વાદિનો માર્ગ, તે આ કાળે
સન્તોના પ્રતાપે સુગમ બન્યો છે...એ ખરેખર મુમુક્ષુ
જીવોના કોઈ મહાન સદ્ભાગ્ય છે. આવો અલભ્ય
અવસર પામીને સંતોની છાયામાં બીજું બધું ભૂલીને
આપણે આપણા આત્મહિતના પ્રયત્નમાં કટિબદ્ધ થઈએ.
* * *
સ્વભાવની સન્મુખતા વડે લીન થઈને, મોહનો ક્ષય કરીને જેઓ સર્વજ્ઞ અરિહંત
પરમાત્મા થયા, તેમણે ઉપદેશેલો મોહના નાશનો ઉપાય શું છે? તે અહીં આચાર્યદેવ
બતાવે છે. પહેલાં એમ બતાવ્યું કે ભગવાન અર્હંતદેવનો આત્મા દ્રવ્ય–ગુણ–પર્યાય
ત્રણેથી શુદ્ધ છે, એમના આત્માના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને, પોતાના
આત્માને તેની સાથે મેળવતાં, જ્ઞાન અને રાગની ભિન્નતા જાણીને સ્વભાવ અને
પરભાવનું પૃથક્કરણ કરીને જ્ઞાનનો ઉપયોગ અંર્ત–સ્વભાવમાં વળે છે, ત્યાં એકાગ્ર
થતાં ગુણ–પર્યાયના ભેદનો આશ્રય પણ છૂટી જાય છે, ને ગુણભેદનો વિકલ્પ છૂટીને,
પર્યાય શુદ્ધાત્મામાં અંતર્લીન થાય છે, પર્યાય અંતર્લીન થતાં મોહનો ક્ષય થાય છે, કેમકે
ત્યાં મોહને રહેવાનું કોઈ સ્થાન ન રહ્યું.