Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 75

background image
: ૩૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવણ : ૨૪૯૩
શાંતિનાથ ભગવાનના પૂર્વભવોમાં–
તત્ત્વજ્ઞાન અને બ્રહ્મચર્યની પરીક્ષા
ભગવાન શ્રી શાંતિનાથ પ્રભુ પૂર્વે પાંચમા ભવમાં તેમજ ત્રીજા
ભવમાં–બંને વખતે તીર્થંકરદેવના પુત્ર હતા; બંને વખતે સ્વર્ગમાં
ઈંદ્રસભામાં ઈન્દ્રે તેમના ગુણોની પ્રશંસા કરી હતી અને દેવ–દેવી તેમની
પરીક્ષા કરવા આવ્યા હતા. પાંચમા ભવમાં તેઓ ક્ષેમંકર તીર્થંકરના
પુત્ર વજ્રયુધ્ધ હતા ત્યારે એક દેવ તેમના તત્ત્વજ્ઞાનની પરીક્ષા કરવા
આવ્યો હતો અને ત્રીજા ભવમાં તેઓ ધનરથ તીર્થંકરના પુત્ર મેઘરથ
હતા, ત્યારે બે દેવીઓ તેમના બ્રહ્મચર્યની પરીક્ષા કરવા આવી હતી. તે
ધીર–વીર–ધર્માત્મા બંને વખતે પોતાના પવિત્ર ગુણોમાં નિષ્કંપ–અડોલ
રહ્યા હતા. તેમનું ઉત્કૃષ્ટ તત્ત્વજ્ઞાન તથા ઉત્કૃષ્ટ બ્રહ્મચર્ય સૂચવનારા એ
બે પ્રસંગો મુમુક્ષુ જીવોને જ્ઞાન અને વૈરાગ્યની દ્રઢતાના પ્રેરક છે ને
આત્મસાધના માટે ઉત્સાહ પ્રેરે છે;–તેથી તે બે પ્રસંગોનું ટૂંક વર્ણન
અહીં શાંતિનાથ–પુરાણમાંથી આપ્યું છે.
(સં.)
–૧–
વજ્રયુધચક્રવર્તીના ભવમાં તત્ત્વજ્ઞાનની પરીક્ષા
જંબુદ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રમાં મંગલાવતી નામે દેશ છે, તે દેશમાં ‘રત્નસંચયપુર’
નગર છે. તે રત્નસંચયપુર નગરમાં ધર્માત્માઓ વસે છે, અને અનેક જિનમંદિરો છે. તે
નગર બહારમાં તો, જિનમંદિરોના શિખર ઉપર જડેલા રત્નોના પ્રકાશથી શોભી રહ્યું છે
અને અંતરંગમાં, ધર્માત્માઓના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી રત્નોથી શોભી રહ્યું છે.
તે સુશોભિત નગરીમાં મહા પુણ્યવંત, ધર્માત્મા ક્ષેમંકર મહારાજ રાજ્ય કરતા હતા;
રાજા ક્ષેમંકર ધીર અને વીર હતા, ચરમશરીરી હતા, તીર્થંકર હતા, ને રાજ્યમાં ધર્મની
મૂર્તિ સમાન શોભતા હતા. તેમને કનકચિત્રા નામની ગુણવંતી રાણી હતી.
શ્રી શાંતિનાથ ભગવાન, પૂર્વે પાંચમા ભવે આ ક્ષેમંકર મહારાજાને ત્યાં કનકચિત્રા
રાણીની કૂંખે ‘વજ્રયુધ’ નામના પુત્ર તરીકે જન્મ્યા હતા. શ્રી વજ્રયુધકુમાર બુદ્ધિમાન
અને મહા રૂપવાન્ હતા, જૈન સિદ્ધાંતના પારંગામી હતા, મતિ–શ્રુત–અવધિ એ ત્રણ