Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 50 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૪૧ :
ધર્માત્માઓનું બહુમાન કરતા હતા. આ પ્રમાણે મોક્ષપ્રાપ્તિ અર્થે તેઓ સદા જિનધર્મનું
પાલન કરતા હતા.
સૌધર્મસ્વર્ગમાં એકવાર તેમની દાનશીલતાની પ્રશંસા સાંભળીને દેવ તેમની
પરીક્ષા કરવા આવ્યો હતો. હિંસાનું પોષક દાન ન કરવું તથા યોગ્ય પાત્રને યોગ્ય
વસ્તુનું દાન કરવું–ઈત્યાદિ વિવેકબુદ્ધિ દેખીને તે દેવે મેઘરથની સ્તુતિ કરી.
આત્મસાધનામાં ને જિનેન્દ્રભક્તિમાં તત્પર રહેનારા તે મહારાજા મેઘરથ દાન–
પૂજન તેમજ પર્વના દિવસોમાં પ્રૌષધોપવાસ વગેરે અનેક પ્રકારે ધર્મસાધન કરતા હતા.
એકવાર નંદીશ્વર–અષ્ટાહ્નિકાના પર્વમાં જિનબિંબોની મહાપૂજા કરીને તેમણે
પ્રૌષધઉપવાસ કર્યો. અને રાત્રે એકાન્ત ઉદ્યાનમાં તે ધીર–વીર ધર્માત્મા એકાગ્રચિત્તથી
ધ્યાનમાં ઊભા; સિદ્ધોનાં ગુણોના સ્મરણપૂર્વક પ્રતિમાયોગ ધારણ કરીને મેરુસમાન
અચલપણે આત્મધ્યાનમાં સ્થિર થયા. અહો, શુદ્ધ ચૈતન્યના ધ્યાનમાં તત્પર એવા તે
ધર્માત્મામેઘરથ, મુનિરાજ સમાન શોભતા હતા. એવામાં ઈન્દ્રસભામાં એક વિશેષ ઘટના
બની. શું બન્યું?
આ તરફ મેઘરથ તો આત્મચિંતનમાં મગ્ન છે. સંસારમાં શું બની રહ્યું છે તેનાથી
ઉદાસ થઈને ચિત્તને નિજસ્વરૂપમાં જોડ્યું છે. એ વખતે ઈશાનસ્વર્ગમાં દેવોની સભામાં
બિરાજમાન ઈન્દ્રે, ધ્યાનમાં બિરાજમાન ધીર–વીર મેઘરથ મહારાજાને દેખીને આશ્ચર્યથી
તેમની પ્રશંસા કરી. ઈન્દ્રે કહ્યું કે અહો, આપ ધન્ય છો! આપ સમ્યક્ત્વાદિ ગુણોના
સાગર છો, આપ જ્ઞાની છો, વિદ્વાન છો, ધૈર્યવાન છો; આત્મચિન્તનમાં તત્પર એવા
આપને દેખીને આશ્ચર્ય થાય છે. આપ દ્રઢ શીલવાન છો...મેરુસમાન આચલ છો.–એમ
અનેકપ્રકારે ઈન્દ્રે સ્તુતિ તથા પ્રશંસા કરી.
ઈન્દ્રમહારાજને આ પ્રમાણે સ્તુતિ કરતા દેખીને દેવોએ પૂછ્યું કે હે નાથ!
અત્યારે આપ ક્યા સજ્જનની આ સ્તુતિ કરી રહ્યા છો? એવા તે કોણ મહાત્મા છે કે
ઈન્દ્રસભામાં જેની સ્તુતિ થાય?
ત્યારે ઈન્દ્રે કહ્યું–હે દેવો! સાંભળો,. સ્તુતિ કરવાયોગ્ય જે મહાત્માની મેં સ્તુતિ
કરી છે તેમની ઉત્તમ કથા હું કહું છું. મધ્યલોકમાં વિદેહક્ષેત્રમાં મેઘરથરાજા શુદ્ધસમ્યગ્દ્રષ્ટિ
છે, તેઓ મહાગંભીર છે, રાજાઓના શિરોમણિ છે, ત્રણ જ્ઞાનના ધારણ છે, તેઓ એક
ભવ પછી ભરતક્ષેત્રમાં શાંતિનાથ તીર્થંકર થનાર છે. અને અત્યારે પ્રતિમાયોગ ધારણ
કરીને આત્મધ્યાનમાં લાગેલા છે, તેમણે શરીરનું પણ મમત્વ છોડી દીધું છે, ને