Atmadharma magazine - Ank 286
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 52 of 75

background image
: શ્રાવણ : ૨૪૯૩ આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : ૪૩ :
ચલિત કરવાનો પ્રયત્ન કર્યો; વીણાવાદનથી અને પ્રીતિભરેલા મધુર વચનાલાપથી
તેમને રીઝવવા પ્રયત્ન કર્યો.....પણ મેઘરથરાજા તો ન ડગ્યા તે ન જ ડગ્યા. પોતાના
આત્મચિંતનથી જરાપણ ચલિત ન થયા. છેવટે દેવીઓએ તેમને ડગાવવા ને ભયભીત
કરવા માટે અનેક પ્રકારના તીરસ્કાર ભરેલાં ભયંકર વચનો કહ્યા ને કાયરને ભય
ઉપજાવનારી બિહામણી ચેષ્ટાઓ કરી; તેમને ધ્યાનથી ડગાવવા માટે દેવીઓએ ઘોર
ઉપસર્ગો કર્યા.....
પરંતુ મુનિ જેવા મેઘરથ રાજાએ તો તીવ્ર વૈરાગ્યમય સંવેગરૂપી બખ્તર ધારણ
કરીને પોતાનું મન જિનેન્દ્રદેવના ચરણકમળમાં જ નિશ્ચલપણે જોડ્યું હતું.....ભગવાને
કહેલા શુદ્ધાત્મસ્વરૂપને જ તેઓ ભાવી રહ્યા હતા...આવી ભાવનામાં તત્પર ધર્માત્માને
બહારના ઉપદ્રવો શું કરી શકે? અત્યંત ધીર અને વીર એવા તે મહારાજા મેઘરથે
મેરૂપર્વત સમાન અત્યંત નિશ્ચલ રહીને, તે દેવીઓ દ્વારા કરાયેલા તીવ્ર ઘોર ને રૌદ્ર
ઉપસર્ગોને જીતી લીધા.....જેમ વીજળીના કડાકા પણ મેરુને હલાવી શકતા નથી તેમ તે
દેવીઓ રાગચેષ્ટા વડે પણ મેઘરથરાજાના મનરૂપી મેરૂપર્વતને ડગાવી ન શકી.....સિંહ
જેવા વીર મેઘરથે આત્મભાવનાના બળવડે બધા ઉપસર્ગો સહી લીધા..... દેવીઓનો
બધો પરિશ્રમ વ્યર્થ ગયો. અંતે બંને દેવીઓને ખાતરી થઈ કે આ મેઘરથરાજાની જે
પ્રશંસા ઈન્દ્રે કરી હતી તે યથાર્થ છે. તેમનું મન નિશ્ચલ છે, આત્મભાવનામાં તેઓ
અડોલ છે, અને તેમનું શીલ–બ્રહ્મચર્ય દેવીઓથી પણ ડગી શકે તેવું નથી.–આમ તેમના
ગુણો દેખીને બંને દેવીઓ અત્યંત પ્રસન્ન થઈ, અને બહુમાનપૂર્વક તેમનું વંદનપૂજન
કરીને પોતાના દેવલોકમાં ચાલી ગઈ. રાત્રિ વ્યતીત થતાં મહારાજા મેઘરથે નિર્વિઘ્નપણે
પોતાનો કાયોત્સર્ગ પૂર્ણ કર્યો.
અહા, ધન્ય છે આવા ધર્માત્માઓને,...કે દેવો દ્વારા પણ
જેમનું મન ડગતું નથી...જેમનું જ્ઞાન અને શીલ અતિ
પ્રશંસનીય છે...આત્મચિંતનમાં જેઓ સદા તત્પર છે.
(ત્યારબાદ મેઘરથ એકવાર પોતાના પિતા ધનરથતીર્થંકરની વંદના કરવા ગયા
અને ત્યાં પ્રભુના શ્રીમુખથી ધર્મોપદેશ સાંભળી સંસાર–ભોગોથી વિરક્ત થયા, ને
પોતાના ભાઈ દ્રઢરથ તેમજ બીજા સાત હજાર રાજાઓ સહિત જિનદીક્ષા અંગીકાર
કરી.....દર્શનવિશુદ્ધિઆદિ સોળ ઉત્તમ ભાવનાઓ વડે તીર્થંકર–નામકર્મ બાંધ્યું.....ને
ત્રીજાભવે ભરતક્ષેત્રના હસ્તિનાપુરમાં સોળમા શાંતિનાથ તીર્થંકરપણે અવતર્યા....તે
શાંતિદાતાર શ્રીશાંતિનાથજિનેન્દ્રને નમસ્કાર હો.