: ૪૪ : આત્મધર્મ : બ્રહ્મચર્ય–અંક (ચોથો) : શ્રાવક : ૨૪૯૩
એ ક ત્વ ભા વ ના
૧. જે સ્વાનુભૂતિથી જ જણાય છે અને વાણી તથા મનથી અગોચર છે તથા
આત્માના અનુભવી પુરુષોને જે રમ્ય છે એવી પરમજ્યોતિનું હું વર્ણન કરું
છું.
૨. જે કોઈ જીવ, એકત્વસ્વરૂપને પ્રાપ્ત એવા આત્મતત્ત્વને જાણે છે, તેની
અન્ય જીવો આરાધના કરે છે, પરંતુ તે જીવને આરાધ્ય કોઈ નથી. (પોતે
જ પોતાનો આરાધ્ય છે.)
૩. જેમ ઉત્તમ નૌકામાં બેઠેલો ધૈર્યવાન અને બુદ્ધિમાનપુરુષ સમુદ્રના પાણીથી
ભય પામતો નથી તેમ આત્માના એકત્વસ્વરૂપને જાણનારા યોગીઓ ઘણા
કર્મોથી પણ જરાય ભય પામતા નથી.
૪. ચૈતન્યના એકત્વની અનુભૂતિ દુર્લભ છે અને તે એકત્વની અનુભૂતિ જ
મોક્ષની દાતાર છે; તેથી કોઈ પણ પ્રકારે ચૈતન્યના એકત્વની અનુભૂતિ
પામીને તેનું વારંવાર ચિંતન કરવું જોઈએ.
પ. મોક્ષ એ જ સાક્ષાત્ સુખ છે અને મુમુક્ષુ જીવોને તે જ સાધ્ય છે. અહીં
સંસારમાં જે છે તે સાચું સુખ નથી–પણ દુઃખ છે.
૬. ખરેખર આ સંસારસંબંધી કાંઈ પણ અમને પ્રિય નથી; અમને તો
શ્રીગુરુના ઉપદેશથી એક મોક્ષપદ જ પ્રિય છે.
૭. આ સંસારમાં સ્વર્ગસુખ પણ મોહના ઉદયરૂપી ઝેરથી ભરેલું અને
નાશવાન છે, તોપછી સ્વર્ગસિવાયના બીજા સુખોની તો શું વાત કરવી?
એવા સંસારસુખોથી અમને બસ થાવ.–હવે અમારે એવા સંસારસુખ
જોઈતા નથી.
૮. જે મુનિવર આ ભવમાં શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માને સદા લક્ષ્ય કરીને રહે છે,
તે શ્રેષ્ઠ બુદ્ધિમાન મુનિવર અન્ય ભવમાં પણ એ જ રીતે આત્માને લક્ષ્ય
કરીને રહે છે.
૯. પોતાના એકત્વસ્વરૂપમાં સ્થિર થઈને જે મુનિશ્વરોએ વીતરાગમાર્ગમાં
પ્રસ્થાન કર્યું છે તેમને મુક્તિસુખની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર ત્રણ જગતમાં
કોણ છે?