: ૧૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
તેનું નિરાકરણ કરવા માટે તેમણે ઈશારાથી પાટી–પેન મંગાવ્યા અને તેમાં લખ્યું કે–
ज्ञानकुतक्का हाथ मारी अरि मोहना
प्रगट्यो रूप स्वरूप अनंत सु सोहना।
यह पर्ययका अन्त सत्यकर मानना,
चले बनारसीदास फेर नहीं आवना।
જુઓ, આ જ્ઞાનીની જાગૃતદશા! બાહ્યથી જોનારને એમ લાગે કે આ મુર્છાયેલા
છે; પણ અંદર એમનું જ્ઞાન જાગૃત છે તેને અજ્ઞાની જાણતો નથી. ને અજ્ઞાની બહારથી
મોટીમોટી વાતો કરતો હોય, રોગ વખતે ધીરજ રાખતો હોય, છતાં અંતરમાં ભિન્ન
ચૈતન્યના વેદન વગર, રાગમાં જ જ્ઞાનને જોડીને મુર્છાયેલો છે.
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની અંર્તદશાનો મોટો ફેર છે, બહારથી તેનું માપ
નથી. ચિદાનંદ સ્વરૂપની દ્રષ્ટિમાં જ્ઞાની સદાય સર્વ પ્રસંગે નિઃશંક વર્તે છે; ને અજ્ઞાની
મૂઢપ્રાણી બહિરાત્મદ્રષ્ટિથી શરીરાદિની અવસ્થાને પોતાની માનીને સદાય ભ્રમરૂપ જ વર્તે
છે. અંતરમાં જે દ્રષ્ટિ પડી છે તે સર્વ અવસ્થામાં પોતાનું કાર્ય કર્યા જ કરે છે. ।। ૯૩।।
સ્વાધીનપણે શોભે તે શેઠ
‘શેઠ’ કોણ છે?
સમ્યગ્દ્રષ્ટિ તે સાચા શેઠ (એટલે કે શ્રેષ્ઠ) છે; કેમકે શ્રેષ્ઠ એવા
પોતાના આત્મસ્વરૂપને તે જાણે છે, ને અન્ય પાસેથી કાંઈ લેવા માંગતો
નથી, માટે તે શેઠ છે. અન્ય પાસેથી મારે કાંઈ જોઈતું નથી, હું પોતે જ
સર્વસાધનસમ્પન્ન છું–એવી સ્વાશ્રિતબુદ્ધિને લીધે તે શેઠપણે શોભે છે.
‘ભિખારી’ કોણ છે?
મિથ્યાદ્રષ્ટિ તે ભિખારી છે; કેમકે પોતાના શ્રેષ્ઠ એવા
આત્મસ્વરૂપને તો તે જાણતો નથી ને અન્ય પાસેથી ભીખ માંગે છે–માટે
તે ભિખારી છે. અન્ય મને સુખ આપશે–એવી પરાશ્રિતબુદ્ધિને લીધે તે
ભિખારી છે, હીન છે, તે શોભતો નથી. શોભા તો સ્વાધીનપણામાં છે,
પરાધીનપણામાં શોભા નથી.