: ભાદરવો : ૨૪૯૩ આત્મધર્મ : ૧પ :
* સંતોની છાયામાં જ્ઞાન–વૈરાગ્યનું સીંચન *
ગતાંકમાં ૪૦ ને બદલે ૬૪ પાનાં આપવા છતાં સ્થળસંકોચને કારણે જે લેખો વગેરે બાકી રહી
ગયેલ તેમાંથી આ વૈરાગ્યમય વચનામૃત અહીં આપીએ છીએ–જે જિજ્ઞાસુને આત્માર્થનો ઉલ્લાસ પ્રેરશે.
શૂરવીર થા
સંસારનો કેડો છોડીને તું સિદ્ધનો કેડાયતી થા...સિદ્ધિપથનો પથિક થા. દીન ન
થા...હતાશ ન થા...શૂરવીર થઈને ઉત્સાહથી આત્માને સાધ.
સુખી મુનિવરા
આ સંસારમાં માત્ર તે મુનિઓ જ પરમ સુખી છે કે જેઓ સર્વ પ્રકારની ચિન્તાને છોડીને
ધ્યાનવડે આત્મિક સુખને અનુભવી રહ્યા છે. જગતમાં તે મુનિરાજ ધન્ય છે કે જેઓ આત્માના
અંતર–સરોવરમાંથી ધ્યાનરૂપી અંજલિ ભરીભરીને ઉત્તમ આનંદામૃતને સદા પીએ છે.
આત્મિક સુખ
જો આ જગતની બાહ્ય વિભૂતિમાં કંઈ પણ સુખ હોત તો ભરતાદિ ચક્રવર્તીઓ તે
વિભૂતિને છોડીને મુનિ કેમ થાત? સંસારના વૈભવમાં ક્્યાંય સુખ નથી; સુખી તો
આત્મધ્યાની મુનિવરો છે,–કે જેમને પોતાના આત્મિકસુખ માટે બહારની કોઈ
વિષયસામગ્રીની અપેક્ષા નથી.
ધર્માત્માનું અનુકરણ
દેહથી ભિન્ન આત્મા છે; તે આત્માને મરણ જ નથી પછી મૃત્યુનો ભય કેવો? આત્માને
શરીર નથી પછી રોગ કેવો? આત્માને રોગ નથી પછી વેદના કેવી? હે બંધુ! આ જરાક જેટલા
શારીરિક દુઃખથી કાયર થઈને તું પ્રતિજ્ઞાથી જરાપણ ચ્યૂત થઈશ નહીં, આત્મિક ભાવનાથી જરાપણ
ડગીશ નહીં...દ્રઢચિત્ત થઈને આરાધનાને ઉગ્ર કરજે. પાંડવ–મુનિરાજ, સુકુમાર વગેરે ધીરવીર
ધર્માત્માઓનું ઉત્તમ ચરિત્ર યાદ કરીને તેમનું અનુકરણ કરજે.
–તૈયાર થા
રે જીવ! ભવની મૂર્તિ એવા શરીરને આત્મભાવનાપૂર્વક છોડ તો ભવનો અભાવ
થવાનું તને નક્કી થઈ જશે. અનંતા જીવો શરીર છોડીને સિદ્ધપદને પામ્યા છે...એવા
સિદ્ધપદને સાધવા માટે હવે તું તૈયાર થા...તૈયાર થા.
આટલું કર
* આત્માને સાધવા દુનિયાને ભૂલ.
* સિદ્ધપદને સાધવા સંસારની ઉપેક્ષા કર.
* દુઃખની વેદનાથી છૂટવા ચૈતન્યનું વેદન કર.
* મરણથી છૂટવા તારા જીવત્વને જાણ.
* તારું સ્વસંવેદન એ જ તારું શરણ છે, માટે સ્વસંવેદન કર.