ચૈતન્યસ્વભાવ આત્મા પરમ શાંતરસનો હિમાલય છે. જેમ
ઉનાળાની ગરમીમાં હિમાલયની વચ્ચે જઈને બેસે તો કેવી
ઠંડક લાગે! તેમ પરભાવોની આકુળતાથી બળબળતા આ
સંસારમાં જો શાંતરસના હિમાલય એવા આત્મસ્વરૂપમાં
જઈને બેસે તો ઉપશાંતરસની પરમ ઠંડક એટલે કે નિરાકુળ
શાંતિ વેદાય. પ્રભુ! એકવાર આવા તારા ગુણમાં નજર તો
કર. તારા ગુણના કાર્યને ઓળખીને એની શાંતિનો સ્વાદ
આખો સંસાર નીરસ લાગશે,–બળબળતા તાપ જેવો
લાગશે. જેમ બરફ એ ઠંડકનો ઢીમ છે તેમ આ ચૈતન્યપ્રભુ
એકલા આનંદનો ઢીમ છે; શાંતરસનો સાગર એનામાં ભર્યો
છે. આવા તારા સ્વભાવમાં જઈને નજર તો કર; વિકારનો
આતાપ એમાં છે જ નહીં. વિકારનો સ્પર્શ પણ તારા
સ્વભાવમાં નથી. આવા સ્વભાવની શાંતિમાં સન્તો વસે છે,
ને જગતને માટે તેમણે આવો સ્વભાવ પ્રસિદ્ધિમાં મુક્્યો છે:
તમે જાણો...રે જાણો...જગતના તાપથી બચવા શાંતિના આ
હિમાલયમાં આવો રે આવો.