Atmadharma magazine - Ank 287
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 53

background image
: ૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯૩
* સ્વાનુભવના ચિહ્નરૂપ જ્ઞાનચેતના *
(જ્ઞાનીના હૃદયની વાત)
સં. ૧૯૯૨ ની એટલે કે આજથી ૩૧ વર્ષ પહેલાંની વાત છે. તે વખતે ગુરુદેવ
પાસે સ્વાનુભવની એક અત્યંત મહત્ત્વની ચર્ચા થયેલી. કોઈકવાર પ્રસન્નતાથી ને ઘણા
ગંભીર ભાવથી તે ચર્ચાનો પ્રસંગ યાદ કરીને જ્યારે ગુરુદેવ સંભળાવે છે ત્યારે
જિજ્ઞાસુના રોમેરોમ પુલકિત થઈને જ્ઞાનીના સ્વાનુભવ પ્રત્યે ઉલ્લસી જાય છે. તે
ચર્ચામાં ગુરુદેવે પૂછેલું કે જ્ઞાનચેતનાનું ફળ શું? જ્ઞાનચેતના ઉઘડે એટલે બધા
શાસ્ત્રોના અર્થનો ઉકેલ કરી નાંખેને?
ઉત્તર:– જ્ઞાનચેતના તો અંતરમાં પોતાના આત્માને ચેતનારી છે. જ્ઞાનચેતનાના
ફળમાં શાસ્ત્રના ઉકેલ થવા માંડે–એવું તેનું ફળ નથી, પણ આત્માના અનુભવનો ઉકેલ
પામી જાય એવી જ્ઞાનચેતના છે. જ્ઞાનચેતનાનું ફળ તો એ છે કે પોતાના આત્માને ચેતી
લ્યે. શાસ્ત્રના ભણતર ઉપરથી જ્ઞાનચેતનાનું માપ નથી. જ્ઞાનચેતના તો અંતરમાં
આત્માને ચેતે છે, જ્ઞાનસ્વરૂપ આત્માને જે ચેતે–અનુભવે તે જ્ઞાનચેતના છે.
જ્ઞાનચેતનાનું કાર્ય અંતરમાં આવે છે, બહારમાં નહીં. કોઈ જીવ શાસ્ત્રના અર્થની ઝપટ
બોલાવે માટે તેને જ્ઞાનચેતના ઉઘડી ગઈ એમ તેનું માપ નથી; કેમકે કોઈકને તે
પ્રકારનો ભાષાનો યોગ ન પણ હોય, ને કદાચ તેવો પરનો વિશેષ ઉઘાડ પણ ન હોય;
અથવા કદાચ બહારનો તેવો વિશેષ ઉઘાડ હોય તોપણ કાંઈ જ્ઞાનચેતનાની નિશાની તે
નથી. જ્ઞાનચેતનાનું કાર્ય તો અંતરની અનુભૂતિમાં છે. જ્ઞાનને અંતરમાં વાળીને જેણે
રાગથી ભિન્ન સ્વરૂપને અનુભવમાં લઈ લીધું છે તે જીવને અપૂર્વ જ્ઞાનચેતના અંતરમાં
ખીલી ગઈ છે. એની ઓળખાણ થવી જીવોને કઠણ છે.
જ્ઞાનચેતના એટલે શુદ્ધાત્માને અનુભવનારી ચેતના, તે ચેતના મોક્ષમાર્ગ છે. આ
જ્ઞાનચેતનાનો સંબંધ શાસ્ત્રના ભણતર સાથે નથી. જ્ઞાનચેતના તો અંતર્મુખ થઈને
આત્માના સાક્ષાત્કારનું કાર્ય કરે છે. ઓછું–વધારે જાણપણું હો તેની સાથે સંબંધ નથી,
પણ જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થતાં જ્ઞાનચેતના પ્રગટે છે. તે જ્ઞાનચેતનામાં આત્મા
અત્યંત શુદ્ધપણે પ્રકાશે છે. આવી જ્ઞાનચેતના ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે. જ્ઞાની
આવી જ્ઞાનચેતનાવડે કેવળજ્ઞાનને બોલાવે છે.
(આ પ્રશ્ન–ઉત્તરમાં જ્ઞાનીનું હૃદય ભર્યું છે. આના ભાવો સ્વાનુભવ માટે ખૂબ
ઊંડેથી મનનીય છે. ગુરુદેવ આ ચર્ચાનો ઘણો મહિમા કરે છે.)