આફ્રિકામાં નૈરોબી મુમુક્ષુમંડળના ઉત્સાહી કાર્યકર ભાઈશ્રી કરમણભાઈ
ચારહજાર જેટલા ધાર્મિક પુસ્તકોની લાણી કરીને ધર્મપ્રભાવનાનો ઉત્સાહ બતાવ્યો છે.
તેમની આવી લગની દેખીને તે પ્રસંગે ઉપસ્થિત ચારહજાર જેટલા ગુજરાતીઓ ખૂબ
પ્રસન્ન થયા હતા. તેઓ પોતાના તા. ૧૧–૯–૬૭ના પત્રમાં ગુરુદેવનો મહાન ઉપકાર
માનીને લખે છે કે–લગ્નમાં જૈનવિધિ થવાથી ધર્મની ઘણી પ્રભાવના થઈ છે. સવારમાં
જિનમંદિરે ઘણા માણસો સહિત પ્રભુપૂજા તથા ભક્તિ કરીને સિદ્ધચક્રજીને તથા
શાસ્ત્રજીને ગાજતેવાજતે મંડપમાં પધરાવ્યા. લગભગ ચારહજાર માણસોની સંખ્યા વચ્ચે
જૈનવિધિ થઈ, તે દેખીને તથા સાંભળીને આખો જૈનસમાજ ઘણો પ્રભાવિત થયો હતો,
ને કહાનગુરુના જયનાદ ગાજી ઊઠયા હતા. આ પ્રસંગે ભગવાન ઋષભદેવ, જૈન
બાળપોથી, કર વિચાર તો પામ–વગેરે ચારહજાર જેટલા ધાર્મિક પુસ્તકો ભેટરૂપ વેંચ્યા
હતા; બધામાં તે પુસ્તકો વંચાયા, ને ચાર દિવસ સુધી તો ઘેરઘેર–દુકાનેદુકાને એની જ
ચર્ચા ચાલતી હતી; ને કેન્યા (આફ્રિકા) ના જૈનસમાજ ઉપર ઘણી છાપ પડી હતી;
કુદેવ–કુગુરુ–કુધર્મના સેવનથી જીવોનું કેટલું બૂરું થાય છે ને સાચા દેવ–ગુરુ–ધર્મનું
સેવન ભવસમુદ્રથી તરવા માટે જીવોને કેટલું ઉપકારી થાય છે–વગેરે ઘણા ખુલાસા આ
પ્રસંગે થયા હતા. લગ્નપ્રસંગ દેવ–ગુરુ–ધર્મની મુખ્યતાપૂર્વક ઉજવાયો હોવાથી “આ જ
ખરૂં સત્ છે” એવું વાતાવરણ છવાયું હતું. આફ્રિકા જેવા પછાત પરદેશમાં પણ આજે
આ જે કાંઈ બની રહ્યું છે તે ગુરુદેવનો જ મહાન પ્રભાવ છે. જૈનધર્મનો સન્દેશ જગતમાં
ગાજે છે. લંડનથી આવેલા આપણા ભાઈઓ પુસ્તકો લઈ ગયા છે ને ઘણા શ્રદ્ધાળુ
બન્યા છે. કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ ઘણા આવ્યા હતા ને જૈનધર્મથી ઘણા
પ્રભાવિત થયા છે. (હજી પણ ત્યાં ધાર્મિક પુસ્તકોની વિશેષ માંગણી થતી હોવાથી
બીજા પુસ્તકો મંગાવ્યા છે.)