રાજકોટના શેઠશ્રી મોહનલાલ કાનજીભાઈ ઘીયાના સુપુત્ર ભાઈશ્રી પ્રભુલાલ
મોહનલાલ ઘીયા તા. ૪–૧૦–૬૭ આસો સુદ એકમ ને બુધવારની રાત્રે સ્વર્ગવાસ
પામ્યા. સ્વર્ગવાસ પહેલાંના બીજા રવિવારે તો તેઓ રાજકોટથી સોનગઢ આવેલા;
ત્યાર પછી શુક્રવારે રાજકોટની મિટિંગના કામકાજમાં તેઓએ ઠેઠ સુધી ભાગ લીધો;
મિટિંગ પૂરી થયા પછી ઊભા થતાં એકાએક પક્ષઘાતની અસર દેખાણી, હેમરેજ પણ
થયું ને બેશુદ્ધ થઈ ગયા. ચિંતાજનક પરિસ્થિતિ જણાતાં ગુરુદેવને દર્શન દેવા રાજકોટ
તેડાવ્યા. રવિવાર (તા. ૧) ના રોજ ગુરુદેવ રાજકોટ પધાર્યા........ગુરુદેવ પધારતાં
તેમના કુટુંબને, ખાસ કરીને મોહનભાઈને ઘણું આશ્વાસન ને હિંમત મળ્યા. તથા
પ્રભુલાલભાઈને પણ થોડી વાર માટે જરાક શુદ્ધિ દેખાણી; હાથની ચેષ્ટા ને આંખમાં
આંસુ દ્વારા તેમણે પોતાના ભાવ વ્યક્ત કર્યા. આ પ્રસંગે તેમના તરફથી
સાહિત્યપ્રકાશન માટે રૂા. પ૦૦૧/– પાંચ હજાર ને એક અર્પણ કરવામાં આવ્યા. ત્યાર
પછી ચાર દિવસ સુધી જીવન–મરણના સંગ્રામ જેવી પરિસ્થિતિમાં વીત્યા ને અંતે
બુધવારે રાત્રે તેમનો સ્વર્ગવાસ થયો. ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો ભક્તિભાવ હતો, ને
અવારનવાર તેઓ ખૂબ લાભ લેતા; રાજકોટ મુમુક્ષુ મંડળના તેઓ એક ઉત્સાહી
કાર્યકર્તા હતા, રાજકોટના સમવસરણની રચનાનું કાર્ય તેમણે ઘણા ઉત્સાહથી સંભાળ્યું
હતું. આ વર્ષની તીર્થયાત્રામાં ફાગણ સુદ સાતમે બયાનામાં સીમંધર– ભગવાનનો જે
અભિષેક થયો તેમાં પહેલા કળશની ઊછામણી તેઓએ ઉત્સાહથી લીધી હતી ને
ગુરુદેવના હાથે અભિષેક કરાવ્યો હતો. તેમનો આત્મા પોતાના ધાર્મિક સંસ્કારોમાં અને
દેવગુરુધર્મની ભક્તિમાં આગળ વધીને આત્મહિત સાધે–એ જ ભાવના.
* જામનગરના ભાઈશ્રી નથુભાઈ પરસોતમના સુપુત્ર શ્રી કાન્તિલાલ નથુભાઈ
તા. ૨૧–૯–૬૭ ના રોજ બપોરે જામનગર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે
તેમને ભક્તિભાવ હતો ને અવારનવાર તેઓ સત્સંગનો લાભ લેતા હતા. તબીયતને
કારણે તેઓ મુંબઈથી જામનગર આવેલા. છેલ્લે દિવસે સવારે તેમને લાગેલું કે હવે આ
દેહનો ભરોસો નથી. તેથી પૂ. ગુરુદેવનું તેમજ પૂ. બેનશ્રીબેનનું સ્મરણ કરીને સ્વાધ્યાયમાં
મન જોડયું હતું. ધાર્મિક સંસ્કારોમાં આગળ વધી વીતરાગશાસનની છાયામાં તેઓ
આત્મહિત પામો–એ જ ભાવના. (બ્ર. અમુભાઈના તેઓ મોટો ભાઈ હતા.)
* રાણપુરના ડો. પોપટલાલ ડુંગરશી તા. ૧૦–૧૦–૬૭ના રોજ મુંબઈ મુકામે
સ્વર્ગવાસ પામી ગયા છે. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો. દેવ–ગુરુ–ધર્મના શરણે
તેમનો આત્મા આત્મહિત પામે...એ જ ભાવના.
* આ સિવાયના કોઈક વૈરાગ્યસમાચાર બાકી રહી ગયાનો સંદેહ છે; તો તે ફરી
લખી મોકલવા વિનંતિ છે.