: કારતક : ૨૪૯૪ આત્મધર્મ : ૫ :
પૂજ્ય ગુરુદેવની મંગલકારી છત્રછાયામાં આપણું આત્મધર્મ–માસિક આજે
પચ્ચીસમાં વર્ષમાં એટલે કે રજતજયંતીના વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. એક
‘આત્મધર્મ’ જ જૈનસમાજનું શુદ્ધઆધ્યાત્મિક પત્ર છે... –કે જે જિજ્ઞાસુઓને
લૌકિકભાવનાઓથી દૂરદૂર આત્મિકભાવનામાં લઈ જાય છે. ગુરુદેવ આપણને જે
આત્મહિતકારી ધર્મનો બોધ આપી રહ્યા છે તેની પ્રભાવનામાં આત્મધર્મનો કેટલો
ફ્રાળો છે તે સર્વે જિજ્ઞાસુઓને પરિચિત છે. આત્મધર્મે હંમેશાંં પોતાના ઉચ્ચ આદર્શો
ને ઉચ્ચ પ્રણાલી જાળવી રાખ્યાં છે; ભારતભરમાં ઉચ્ચ ધાર્મિક સંસ્કારવાળો વિશાળ
વાચક વર્ગ ધરાવતું હોવાથી આત્મધર્મનું સંપાદન–ધોરણ પણ એવું જ ઉચ્ચકોટિનું
રહ્યું છે....અને આમ છતાં પ્રતિપાદનશૈલ, એટલી સુગમ છે કે આજે હજારો વિદ્યાર્થી–
બાળકો પણ હોંશેહોંશે તેનું વાંચન કરે છે.
આત્મધર્મના ચાર મુખ્ય ઉદેશો છે–આત્માર્થિતાની પુષ્ટિ; દેવગુરુધર્મની સેવા;
વાત્સલ્યનો વિસ્તાર અને બાળકોમાં ધાર્મિકસંસ્કારોનું સીંચન. એ ઉદે્શોમાં આગળ ને
આગળ વધવા આપણે સૌ સતત પ્રયત્નશીલ છીએ. એક ધર્મને સેવનારા ને એક ગુરુની
છાયામાં રહેનારા આપણે સૌ એક છીએ એવી ભાવના સાધર્મીઓમાં પ્રસરી રહી છે.
મારા જીવનને માટે આ એક મહાન લાભનું કારણ છે કે ગુરુદેવની
ચરણછાયામાં નિરંતર રહીને જિનવાણીમાતાની ઉપાસનાનું આવું સદ્ભાગ્ય મને
મળ્યું. પૂ. ગુરુદેવે હંમેશાં પ્રસન્નતાપૂર્વક મારા જીવનને હિતમાર્ગમાં દોર્યું છે. બંધુઓ!
આવા કાળે આવા ગુરુજીની પ્રાપ્તી થઈ છે તો તેમની મંગલછાયામાં એકએક પળને
ખૂબ જ મૂલ્યવાન સમજીને આત્મહિત સાધવાનું છે. ને તેમની વાણીરૂપ આ
આત્મધર્મના વિકાસમાં આપનો સૌનો જે કિંમતી સહકાર છે તે બદલ સૌનો આભાર
માનીને ભાવના ભાવું છું કે–
આત્મધર્મની રજતજયંતી પછી સુવર્ણજયંતી પણ ગુરુદેવની સોનેરી છાયામાં
વેલીવેલી આવો. –બ્ર. હ. જૈન