માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧૭
વિકલ્પનું કર્તૃત્વ ક્યારે છૂટે?
બાહ્યલક્ષમાં રહીને, શુદ્ધસ્વરૂપનો વિકલ્પ કર્યા કરે છે તેમાં વિકલ્પનું કર્તૃત્વ છૂટતું
નથી. જો શુદ્ધસ્વરૂપની સન્મુખ થાય તો તેનું નિર્વિકલ્પવેદન થાય છે ને ત્યાં વિકલ્પનું
કર્તૃત્વ રહેતું નથી.
સ્વરૂપસન્મુખ થઈને સ્વરૂપનો વિચાર તે તો જ્ઞાન છે, ને જ્ઞાન તે કાંઈ વિકલ્પ
નથી.
વિકલ્પ સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ ક્યાં સુધી છે? કે શુદ્ધસ્વરૂપની સન્મુખ નથી થતો
ને પર્યાયના લક્ષે–‘હું શુદ્ધ એવા વિકલ્પના વેદનમાં’ અટકે છે ત્યાંસુધી કર્તાકર્મની
પ્રવૃત્તિરૂપ અજ્ઞાન છે.
તે કર્તાકર્મની પ્રવૃત્તિ ક્યારે છૂટે?
કે જ્ઞાનના બળે વિકલ્પથી જુદો પડીને “શુદ્ધ” ની સન્મુખ થઈને તેમાં અભેદ
પરિણતિ કરે, ત્યાં તે પરિણતિમાં વિકલ્પ સાથે કર્તાકર્મપણું રહેતું નથી; શુદ્ધસ્વરૂપના
આનંદનું સાક્ષાત્ વેદન થયું તે વિકલ્પ વગરનું છે. આવા વેદન વગર સમ્યગ્દર્શન થાય
નહીં, ને વિકલ્પની કર્તાબુદ્ધિ મટે નહીં. વિકલ્પના વેદનમાં આકુળતા છે, સ્વરૂપના વેદનમાં
આનંદ છે.
અજ્ઞાનીને, જ્ઞાનસાથે એકપણે વિકલ્પ ઊઠે છે–વિકલ્પ તે હું એવા વેદનસહિત
વિકલ્પ ઊઠે છે; વિકલ્પથી જુદું વેદન તેને નથી. ને જ્ઞાન થયા પછી જ્ઞાનીને વિકલ્પ ઊઠે તે
જ્ઞાનથી જુદાપણે રહે છે, એકપણે નથી, જ્ઞાનના કાર્યપણે નથી. જ્ઞાનનું વેદન વિકલ્પથી જુદું
જ છે. વિકલ્પના કાળે જ જ્ઞાનીને તેનાથી જુદું જ્ઞાનપરિણમન વર્તે છે.
જેના ફળમાં પૂર્ણ અતીન્દ્રિયઆનંદનું વેદન સદાકાળ થયા કરે, તેના કારણરૂપ
અતીન્દ્રિય આનંદમય શ્રદ્ધા–જ્ઞાન પણ સ્વભાવના અંતરના આશ્રયે જ થાય છે, બીજું કોઈ
સાધન તેમાં નથી. આત્માને અનુભવ કરે ત્યારે જ વિકલ્પની આકુળતા વગરના સહજ
આનંદનું વેદન થાય છે, ને આવું વેદન તે આત્માનું સાચું વેદન છે. શુદ્ધાત્માને ધ્યેય કરીને
આવું વેદન કરે ત્યારે જીવ ‘તત્ત્વવેદી’ થયો, સમ્યગ્દ્રષ્ટિ થયો, મોક્ષમાર્ગી થયો.
(કલશટીકા પ્રવચન)