Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 45

background image
૧૬ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
જાણ્યો; શુભરાગની ક્રિયાને જેણે પોતાની જ્ઞાનપર્યાયનું સાધન માન્યું તેણે
આત્માને રાગથી ભિન્ન ન જાણ્યો.
જડને અને વિકારી રાગને પોતાના ધર્મનું સાધન માનતાં કેટલી ગંભીર
મોટી ભૂલ થાય છે તેની અજ્ઞાનીને ખબર નથી. ભાઈ, જડને અને વિભાવને
આત્માનું સાધન માનતાં તારી મિથ્યામાન્યતામાં આખો આત્મા જ જડરૂપ ને
વિભાવરૂપ મનાઈ જાય છે, ને અનંત ગુણના નિર્મળસ્વભાવનો નકાર થઈ જાય
છે, –એ કેવી મોટી ભૂલ છે! જો ચેતનસ્વભાવને જડથી ને વિભાવથી ભિન્ન જાણે
તો તે જડને કે વિભાવને પોતાનું સાધન માને નહિ, કેમકે ભિન્ન સાધન હોતું નથી.
પોતાનું સાધન પોતાથી અભિન્ન હોય છે.
અહો, આ તો પોતાના આત્મા માટે અંદરમાં શાંતિથી સમજવાની વસ્તુ છે,
ને એ સમજણનું ફળ સાદિ–અનંત આનંદ છે. એ મહા આનંદની શી વાત! એ
આનંદ આત્મામાંથી પ્રગટ્યો તે પ્રગટ્યો, હવે સદાકાળ આત્મા તે આનંદમાં મગ્ન
રહેશે. દુઃખનો અભાવ થયો તે એવો અભાવ થયો કે ફરી કદી દુઃખ નહિ થાય. જેની
સમજણનું આવું મહાન ફળ તે આત્મસ્વભાવના મહિમાની શી વાત! આવા
આત્માને અનુભવમાં લેતાં સમ્યક્ત્વાદિ અમૃત પ્રગટે છે ને અનાદિનું
મિથ્યાત્વાદિનું ઝેર ઊતરી જાય છે.
સુખી થવું હોય તેને માટે આ એક જ રસ્તો છે, બાકી તો બધા દુઃખી થવાના
રસ્તા છે. ભગવાન જે રસ્તે મોક્ષ પામ્યા તે આ રસ્તો છે. સન્તોએ પોતાના
અંતરમાં જોયેલો આ માર્ગ જગતને ઉપદેશ્યો છે કે હે જીવો! નિઃશંકપણે આ માર્ગે
ચાલ્યા આવો. ભગવાનના ઘરની આ વાત છે, ભગવાનના ઘરનો આ વૈભવ છે,
ને આત્માને ભગવાન બનાવવાની આ રીત છે. વાહ રે વાહ! વીતરાગી સન્તોએ
અંદરમાં પોતાનાં કામ તો કર્યા ને વાણીમાં પણ અલૌકિક કથન આવી ગયું. –
જગતના એટલા મહા ભાગ્ય છે.
(આત્મવૈભવમાંથી)