૨ : આત્મધર્મ : માગશર ૨૪૯૪
(ભાઈશ્રી ત્રિભુવનદાસભાઈના મકાનના વાસ્તુ પ્રસંગે)
આત્મામાં ભેદજ્ઞાનરૂપી અનુભવનો પ્રકાશ કેમ થાય? તેની આ વાત છે.
સુખધામ આત્મા છે; તેના આનંદનો અનુભવ ભેદજ્ઞાન વડે થાય છે, તે ભેદજ્ઞાન–
પ્રકાશ મંગળ છે. સુખધામ એવા આત્મામાં વાસ કરવો તેનું નામ મોક્ષ.
જ્ઞાન તે ‘ભગવાન’ છે, ને રાગભાવ તે જ્ઞાનથી ભિન્ન હોવાથી ‘અજ્ઞાન’
છે. આવા ભેદજ્ઞાનનો વારંવાર તીવ્ર અભ્યાસ કરતાં સ્વસન્મુખ પ્રગટ અનુભવ
થાય છે.
સર્વજ્ઞ ભગવંતોએ આ પ્રમાણે આત્મઅનુભવ કર્યો, ને આવો અનુભવ
કરવાનું જગતને કહ્યું. આવો અનુભવ કર્યો તેના આત્મામાં આનંદનું વર્ષ બેઠું;
ચૈતન્યનું સાચું ધન તેણે પ્રાપ્ત કર્યું.
પ્રભો! તારા આત્મામાંથી અજ્ઞાન–અંધકાર દૂર થાય ને જ્ઞાનના દીવડા પ્રગટે–
તેની રીત સંતોએ બતાવી છે. રાગ અને જ્ઞાનની એકતા ન હોવા છતાં અજ્ઞાનથી જ
એકતા ભાસે છે. તેમને ભિન્ન અનુભવવાની તારી તાકાત છે, કેમકે તેઓ ભિન્ન છે,
ભિન્ન છે તેને ભિન્ન જાણીને અનુભવ કરવો તે સુગમ છે, થઈ શકે છે.
તીર્થંકરદેવે ઈન્દ્રોની સભા વચ્ચે આત્માનું જે સ્વરૂપ ઉપદેશ્યું તે સ્વરૂપ અહીં
આચાર્યદેવે ભરતક્ષેત્રના જીવોને સમજાવ્યું છે. જેમ ભરત ચક્રવર્તી ગૂફામાં જવા
માટે રત્નનો પ્રકાશ કરે છે, તેમ આ ચૈતન્યગૂફામાં જવા માટે ભેદજ્ઞાનરૂપી રત્નનો
પ્રકાશ કર.....તો તને અંદરની ચૈતન્યગૂફામાં મોક્ષનો માર્ગ સ્પષ્ટ દેખાશે.
મોક્ષમાર્ગમાં જતાં આત્માનો સાથીદાર કોણ? આત્માનો સાથીદાર રાગ
નથી, આત્માના સાથીદાર તો જ્ઞાન ને આનંદ છે; ભગવાન જ્ઞાન અને આનંદને સાથે
લઈને મોક્ષમાં ગયા, રાગને તો અત્યંતપણે છોડયો. માટે એવું ભેદજ્ઞાન કરવું જોઈએ.
જ્ઞાની અને જ્ઞાનાવરણ એ બંને અત્યંત જુદા છે, તેને કર્તાકર્મપણું નથી; જ્ઞાની
તો ચૈતન્યમય જીવ, અને જ્ઞાનાવરણ તો અજીવ, તેમને કર્તા–કર્મપણું કેમ હોય?