માગશર ૨૪૯૪ : આત્મધર્મ : ૧
વાર્ષિક લવાજમ વીર સં. ૨૪૯૪
ચાર રૂપિયા માગશર
આત્મામાં સમ્યગ્જ્ઞાનરૂપી સૂર્ય ઉગે તેને સુપ્રભાત કહેવાય છે.
આત્મા જ્ઞાનસૂર્ય છે; તે ચૈતન્યપ્રકાશ વડે રાગ અને જ્ઞાનનો ભેદ પાડે છે, રાગથી ભિન્ન
જ્ઞાનને અનુભવતો ચૈતન્યસૂર્ય પ્રકાશે છે, તે મંગલ પ્રભાત છે.
અનંત ચતુષ્ટયસ્વરૂપ આત્મા છે; જ્ઞાન–દર્શન–આનંદ–વીર્યના બેહદ સ્વભાવથી ભરેલ
શુદ્ધ આત્મવસ્તુનો અનુભવ કરતાં જ આત્મા પોતે ચેતના પ્રકાશ વડે પ્રકાશમાન થાય છે.
તેમાં રાગાદિ જરાપણ નથી. આવા અનુભવથી આત્મા આનંદરૂપ થાય છે. જુઓ, આ
આનંદમય સુપ્રભાત ઊગ્યું. અનાદિથી ન બેસેલું એવું નવું વર્ષ તેને શરૂ થયું.
રે જીવ! તું જાગ...જાગ...અનાદિથી મોહભાવમાં સૂતો...હવે તો આત્મામાં આવું સુપ્રભાત
ઊગાડ...જાગીને તારા શુદ્ધસ્વરૂપને જો તો ખરો; તેમાં રાગાદિ સંસાર છે જ નહીં. પૂર્ણ વસ્તુને
પ્રતીતમાં લેતાં સુખમય વર્ષ શરૂ થશે.
સંતો જે અનંત સુખધામને ધ્યાવે છે તે સુખધામ તારામાં છે; તેને તું પ્રતીતમાં લે,
ધ્યાનમાં લે. એના ધ્યાનની ધૂન ચડતાં આનંદનો અનુભવ થશે. હું આવા શુદ્ધ આત્માને
પ્રણમું છું, રાગ તરફ મારી પરિણતિ નથી ઢળતી, મારી પરિણતિ શુદ્ધ આત્મા તરફ ઢળે છે. –
આવી પરિણતિ વડે ચૈતન્યના તેજથી ઝળહળતું આનંદમય પ્રભાત ખીલે છે.
આત્માનો અનુભવ કરવાની ધૂન જગાડ. જગતની બીજી ધૂન મુક એકકોર. અંદર
કારણપરમાત્મામાં એકાગ્ર થઈને તેને ધ્યાવતાં સમ્યક્ત્વાદિ નિર્મળકાર્ય પ્રગટી જાય છે,
આત્માની ચેતના સ્વરસથી વિકસવા લાગે છે......શક્તિમાં જે હતું તે પર્યાયમાં પ્રગટ થાય છે
ને સાદિઅનંત આનંદમય સુપ્રભાત ખીલે છે.
–બેસતા વર્ષના પ્રવચનમાંથી