Atmadharma magazine - Ank 290
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 45

background image
: આત્મધર્મ : માગશર ૨૪૯૪
જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ છે
(જ્ઞાનીની ‘જ્ઞાનચેતના’ નો મહિમા)
સમયસારકળશ ૬૬–૬૭ ઉપરના પ્રવચનમાંથી.
જ્ઞાની–સમ્યગ્દ્રષ્ટિને જ્યાં ભેદજ્ઞાન થયું, ચૈતન્યભાવને અને રાગભાવને
સ્વાદભેદ જાણીને ભિન્ન જાણ્યા, ત્યાં તે સમ્યગ્દ્રષ્ટિના પરિણામ જ્ઞાનમય જ હોય છે,
રાગમય પરિણામ તેને હોતાં નથી.
પ્રશ્ન:– જ્ઞાનીનેય ચારિત્રમોહ વગેરેના ઉદયથી રાગાદિ વિચિત્ર પરિણામો તો વર્તે
છે, છતાં તેના પરિણામ જ્ઞાનમય જ કેમ કહ્યા?
ઉત્તર:– ભાઈ, તે રાગના કાળેય જ્ઞાનીનું જ્ઞાન કાંઈ રાગમય થઈ ગયું નથી, તે
તો રાગથી જુદું જ જ્ઞાનસ્વભાવમાં તન્મય વર્તે છે. માટે રાગાદિ છે તે જ્ઞાનીનાં પરિણામ
ખરેખર નથી, જ્ઞાનમય ભાવ તે જ જ્ઞાનીનાં પરિણામ છે. રાગના કાળે પણ જ્ઞાની તેને
પોતાથી ભિન્નપણે જાણે છે, ને તે વખતના જ્ઞાનને પોતાથી અભિન્ન જાણે છે. માટે
જ્ઞાનમયપરિણામ જ જ્ઞાનીને છે. સમ્યક્ત્વ–જ્ઞાન–આનંદ એ બધા શુદ્ધપરિણામો જ્ઞાનમાં
સમાય છે, પણ રાગાદિ અશુદ્ધ પરિણામો જ્ઞાનમાં સમાતા નથી.
અજ્ઞાનીને રાગ વખતે રાગથી જુદું જ્ઞાન ભાસતું નથી, એટલે તે તો પોતાને
રાગમય જ અનુભવે છે, એટલે તેનો બધો અનુભવ અજ્ઞાનમય છે. આનંદસ્વરૂપ
આત્માનું ભાન નથી, વેદન નથી, એટલે અજ્ઞાનમય ભાવને જ તે વેદે છે. આ રીતે
અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય છે, ને જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે.
રાગાદિથી ભિન્ન પરિણમતો જ્ઞાની તે રાગાદિનો કર્તા કેમ હોય? જ્ઞાનમાં
તન્મય પરિણમતો જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે. રાગમાં તન્મય પરિણમતો અજ્ઞાની જ તે
રાગાદિનો કર્તા છે. રાગ સાથે એકત્વબુદ્ધિ હોવાને લીધે તેના બધા પરિણામ રાગમય છે
એટલે અજ્ઞાનમય છે, રાગથી ભિન્ન જ્ઞાનમય પરિણામ અજ્ઞાનીને હોતા નથી. આ રીતે
જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં મોટો તફાવત છે. આ ભેદને જે ઓળખે તેને જ્ઞાન
અને રાગનું ભેદજ્ઞાન થઈને જ્ઞાનમય પરિણમન થયા વગર રહે નહીં.