–આવું અમૂર્તપણું જ્ઞાનમાં છે.
આત્મસ્વભાવનો અપાર મહિમા નિજવૈભવથી સન્તોએ પ્રસિદ્ધ કર્યો છે. આવી
શક્તિવાળો ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવતાં તેનું પરિણમન પુણ્ય પાપથી જુદું પડીને
સ્વભાવ તરફ ઝૂકે છે, એટલે તે પરિણમનમાં આત્મશક્તિઓ નિર્મળપણે વ્યક્ત થાય છે.
અરે ભાઈ! આવા આત્માને જાણ્યા વગર તું સાચા તત્ત્વનો નિર્ણય ક્યાંથી કરીશ?
તારી નિજશક્તિને જાણ્યા વગર તું તેને સાધીશ કેવી રીતે? સ્વસંવેદનમાં આવી
શક્તિવાળો આત્મા પ્રગટ થાય છે, ને એવા સ્વસંવેદન વડે જ આત્મા સધાય છે. પણ
એને માટે જગતથી કેટલો વૈરાગ્ય! કેટલી ઉદાસીનતા! સ્વભાવનો કેટલો ઉલ્લાસ ને
કેટલો પુરુષાર્થ જોઈએ! –આવા પ્રયત્નથી સ્વસંવેદન વડે ચોથા ગુણસ્થાને
આત્મપ્રતીતિરૂપ સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શન થતાં નિર્મળ દ્રવ્ય–ગુણ–પર્યાયમાં
વ્યાપીને આત્મા પરિણમે છે; ત્યાં વિકારનો ને કર્મનો સંબંધ છૂટી જાય છે. –આવું
અમૂર્તજ્ઞાનનું સમ્યક્ પરિણમન છે.
નહીં. ચૈતન્યની ખાણમાં વિકાર નહીં ને વિકારની ખાણમાં હીરા નહીં. જેની ખાણમાં જે
હોય તેમાંથી તે નીકળે. અનંત ગુણમણિની જે ખાણ છે એવા આત્માને દ્રષ્ટિમાં લેતાં
તેમાંથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપી ઉત્તમ રત્નો નીકળે છે. આત્મશક્તિમાં એવી
વીરતા છે કે વિકારને તાબે થાય નહીં. જ્ઞાનશક્તિ પોતામાં અજ્ઞાનને આવવા ન દ્યે,
આનંદ પોતામાં દુઃખને આવવા ન દ્યે, તેમ અમૂર્તસ્વભાવ મૂર્તપણાને પોતામાં આવવા
ન દ્યે. આ રીતે આત્માની દરેક શક્તિ પોતાના સ્વરૂપને નિર્મળપણે સાધે છે.
સ્વશક્તિવડે આત્મા પોતાની રક્ષા કરે છે ને પોતાના સ્વઘરમાં સ્થિર રહે છે. આવી
અનંત શક્તિવાળો આત્મા છે તેને અંતર્મુખ થઈને જાણવો–માનવો–અનુભવવો તે
અમૂર્ત થવાનો, એટલે કે મૂર્તકર્મના સંબંધરહિત સિદ્ધ થવાનો ઉપાય છે.