: ૧૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૪ :
શિલાલેખ નં. ૪૦ કે જે શક સં. ૧૦૮૫માં (એટલે કે લગભગ ૮૦૦ વર્ષ
પહેલાં) કોતરાયેલો છે તેમાં નીચે મુજબ ઉલ્લેખ છે––
यो देवनन्दि प्रथमाभिधानो, बुध्यामहत्या स जिनेन्द्रबुद्धिः।
श्री पूज्यपादोजनि देवताभिः यत्पूजितं पादयुगं यदीयम्।।
પ્રથમ જેનું નામ ‘દેવનન્દી’ હતું, બુદ્ધિની મહત્તાથી તેઓ ‘જિનેન્દ્રબુદ્ધિ’
કહેવાયા, અને દેવતાઓ વડે તેમના પાદયુગ પૂજિત થયા તેથી તેઓ ‘પૂજ્યપાદ’
નામથી પ્રસિદ્ધ થયા.
આવા જ આશયનો બીજો એક શિલાલેખ (નં. ૧૦૫) શક સં. ૧૩૨૦ નો છે.
શ્રવણબેલગોલનો ચંદ્રગિરિ પહાડ ૧૦૮ નંબરના શિલાલેખ દ્વારા બોલે છે કે શ્રી
પૂજ્યપાદે ધર્મરાજ્યનો ઉદ્ધાર કર્યો, દેવોના અધિપતિઓએ તેમનું પાદપૂજન કર્યું તેથી
તેઓ ‘પૂજ્યપાદ’ કહેવાયા; તેમના દ્વારા ઉદ્ધાર પામેલાં શાસ્ત્રો આજે પણ તેમના
વિદ્યાવિશારદ ગુણોનું કીર્તિગાન કરે છે; તેઓ જિનવત્ વિશ્વબુદ્ધિના ધારક (સમસ્ત
વિદ્યામાં પારંગત) હતા, તેમણે કામને જીત્યો હતો તેથી ઉત્તમ યોગીઓએ તેમને
‘જિનેન્દ્રબુદ્ધિ’ કહ્યા છે.
વળી એ જ શિલાલેખના બીજા શ્લોક દ્વારા પર્વત આપણને તેમના
વિદેહગમનની આનંદકારી વાત પણ સંભળાવે છે––
श्री पूज्यपादमुनिरप्रतिमौषर्द्धिः जीयात् विदेहजिनदर्शनपूतगात्रः।
यत्पादधौतजलसंस्पर्शप्रभावात् कालायसं किल तदा कनकीयकार।।
શ્રી પૂજ્યપાદમુનિ જયવંત વર્તો કે જેઓ અપ્રતિમ ઔષધિઋદ્ધિના ધારક હતા,
વિદેહી જિનના દર્શનવડે જેમનું ગાત્ર પાવન થયું હતું, અને જેમના પગધોયેલા પાણીના
સ્પર્શના પ્રભાવથી લોઢું પણ સુવર્ણ બન્યું હતું.
ભિન્નભિન્ન આચાર્યોના મહિમાને પ્રસિદ્ધ કરનારા આવા તો સેંકડો શિલાલેખો
અને હજારો શ્લોકો પહાડ ઉપર અંકિત છે. શિલાલેખોના જે ક્રમનંબર અપાયેલા છે
તેના ઉપરથી જ તેની વિપુલ સંખ્યાનો ખ્યાલ આવે છે. એ શિલાલેખોનો પરિચય
‘આત્મધર્મ’ના પાઠકોને કોઈવાર કરાવીશું. અત્યારે તો કુંદકુંદપ્રભુના મહિમા સંબંધી બે
શિલાલેખો–જેમાંથી એક ચંદ્રગિરિ પર અને બીજો વિંધ્યગિરિ અર્થાત્ ઈંદ્રગિરિ ઉપર––
(એટલે કે જ્યાં બાહુબલી ભગવાનની ગગનચૂંબી મૂર્તિ છે તે પર્વત ઉપર)
શિલાસ્થંભમાં કોતરેલા છે તેનો ઉલ્લેખ કરીને આ ટૂંકો લેખ સમાપ્ત કરીશું––