૨૨ : આત્મધર્મ : ચૈત્ર ૨૪૯૪
દ્રવ્ય–પર્યાય બંનેને ભાવશ્રુતજ્ઞાનપ્રમાણ જાણે છે. સ્વસંવેદનરૂપ ભાવશ્રુતજ્ઞાનમાં
દ્રવ્ય–પર્યાય જેમ છે તેમ જણાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ બંને તે ભાવશ્રુતના અંશો
છે– અવયવો છે–નય છે.
ધ્રુવભાવ છે તે પર્યાયને કરતો નથી; પર્યાયનો કર્તા પર્યાયધર્મ છે. શુદ્ધ–દ્રવ્યાર્થિકનય
કેવો છે? કે સર્વવિશુદ્ધ એવા પરમ પારિણામિક પરમભાવનો ગ્રાહક છે, શુદ્ધ ઉપાદાનભૂત છે.
રાગાદિનું કર્તૃત્વ–ભોક્તૃત્વ શુદ્ધ દ્રવ્યાર્થિકનયથી જીવમાં નથી. નિર્મળપર્યાય કે મલિનપર્યાય તે
દ્રવ્યાર્થિકનયમાં ન આવે. દ્રવ્યાર્થિકનયમાં તો એકલું દ્રવ્ય જ આવે; એ અપેક્ષાએ
દ્રવ્યાર્થિકનયમાં તો જીવને પરિણામથી શૂન્ય કહેવાય છે. શુદ્ધપર્યાય તે વખતે છે ખરી પણ
દ્રવ્યદ્રષ્ટિમાં તે આવતી નથી.
મોક્ષમાર્ગ કે મોક્ષ તે નિર્મળપરિણામ છે, તે દ્રવ્યરૂપ નથી. દ્રવ્યને દેખનારી દ્રષ્ટિમાં
પર્યાય ન આવે. પર્યાય તે પર્યાયાર્થિકનયનો વિષય છે. આવા દ્રવ્ય–પર્યાયરૂપ વસ્તુ છે–એમ
આગળ કહેશે. પરસ્પર સાપેક્ષ એવું દ્રવ્યપર્યાયદ્વય તે આત્મપદાર્થ છે.
બંધ ને મોક્ષનાં કારણ તે બંને પર્યાય છે; દ્રવ્યરૂપ એવો પારિણામિક પરમભાવ તો
બંધ–મોક્ષનું કારણ નથી. પારિણામિકભાવ પોતે સર્વથા પર્યાયરૂપ થઈ જાય તો તો પર્યાયની
સાથે તે પણ નાશ પામી જાય.
જ્ઞાનીનો અનાદર, દેવ–ગુરુની નિંદા વગેરે કારણોથી તીવ્ર દર્શનમોહ બંધાય છે. આવા
જે બંધકારણો તે શુદ્ધજીવમાં નથી. આવા શુદ્ધજીવને સમ્યગ્દ્રષ્ટિ દેખે છે. તેથી અહીં કહ્યું કે
‘સર્વવિશુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્વ–
ભોક્તૃત્વથી તથા બંધ–મોક્ષનાં કારણ ને પરિણામથી શૂન્ય છે.
આઠ કર્મ કે તેના બંધનના કારણરૂપ અશુદ્ધ પરિણામો તે શુદ્ધ દ્રવ્યદ્રષ્ટિથી જીવમાં
નથી. અને સ્વસન્મુખ થઈને સમ્યગ્દર્શનાદિ મોક્ષકારણરૂપે પરિણમે છે તે પર્યાય પણ
શુદ્ધદ્રવ્યદ્રષ્ટિમાં આવતી નથી, તે તો પર્યાયદ્રષ્ટિનો વિષય છે. બંને નયોના વિષય ભિન્નભિન્ન
છે. પરસ્પર સાપેક્ષ આવા દ્રવ્ય–પર્યાયનું જોડકું તે આત્મવસ્તુ છે.
મોક્ષનું કારણ કે મોક્ષ, બંધનું કારણ કે બંધ, એ બધી અવસ્થાઓ વખતે ધ્રુવદ્રવ્ય તો
એકરૂપ એવું ને એવું છે; પર્યાય અનિત્ય છે, દ્રવ્ય–નિત્ય છે, –એ બંનેની સાપેક્ષતાવડે વસ્તુ
સિદ્ધ થાય છે, એટલે કે બે નયોનો વિરોધ રહેતો નથી.
જુઓ, આ આત્મવસ્તુને જાણવાની રીત.
આત્માના પાંચ ભાવો બતાવીને તેમાં ક્યા ભાવો બંધ–મોક્ષના કારણરૂપ છે એ વાત
પછી સમજાવશે. એક ક્ષણિક અંશમાં બંધન હતું ને ટળ્યું તેથી આખો પુરુષ તો તે બંધ કે
મોક્ષ જેટલો નથી–એ વાત દ્રવ્યસંગ્રહમાં પણ બતાવી છે.