Atmadharma magazine - Ank 294
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 45

background image
ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૨૧
ઉદય–નિર્જરારૂપ અવસ્થાને જ્ઞાન જાણે જ છે. જેમ કેવળજ્ઞાન સાતા વગેરેના પરમાણુ આવે કે
જાય તેને માત્ર જાણે જ છે, તેમ સર્વજ્ઞસ્વભાવની દ્રષ્ટિવાળો ધર્મીજીવ પણ કર્મના બંધ–મોક્ષને
કે ઉદય–નિર્જરાને જાણે જ છે. રાગાદિને પણ તે જાણે જ છે, પણ તેનું જ્ઞાન તે અશુદ્ધતા સાથે
ભળી જતું નથી, જુદું જ રહે છે.
દ્રવ્યસ્વભાવમાં તો પરનું કર્તા–ભોક્તાપણું નથી, અને તે સ્વભાવની દ્રષ્ટિરૂપ જે
નિર્મળપરિણતિ થઈ તેમાં પણ પરનું કર્તા–ભોક્તાપણું નથી. મેં રાગ કરીને પુણ્યકર્મ બાંધ્યા,
ને તે પુણ્યના ફળને હું ભોગવું છું–એમ ધર્મી માનતા નથી, હું તો જ્ઞાન જ છું–એમ ધર્મી
પોતાને જ્ઞાનરૂપે જ અનુભવે છે.
વળી કોઈ અશુભકર્મનો ઉદય આવી પડે (–જેમકે શ્રેણિકને નરકમાં પાપકર્મનો ઉદય
છે–) ત્યાં પણ ધર્મીજીવ તે અશુભકર્મના ફળરૂપે પોતાને નથી અનુભવતા, તે તો તેનાથી
ભિન્ન જ્ઞાનપણે જ પોતાને અનુભવે છે, પોતાના આત્મિક આનંદને જ અનુભવે છે. જે
શુભાશુભ છે તેના વેદનને પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે. જેમ સૂર્ય જગતના અનેક
શુભાશુભ પદાર્થોને રાગ–દ્વેષ વગર પ્રકાશે જ છે, પણ તેને કરતો કે ભોગવતો નથી, એવો જ
એનો પ્રકાશકસ્વભાવ છે; તેમ જ્ઞાનસૂર્ય આત્મા પણ પોતાના ચૈતન્યકિરણો વડે
શુભાશુભકર્મના ઉદયને કે નિર્જરાને, બંધને કે મોક્ષને જાણે જ છે, પણ તેને કરવા–
ભોગવવાનો તેનો સ્વભાવ નથી. જ્ઞાન તો જ્ઞાનપણે જ રહે છે. જ્ઞાનનું જ્ઞાનપણું પોતાથી જ
છે. કર્મની જે અવસ્થા થાય તેને તે જાણે છે. આવો જ્ઞાનસ્વભાવી આત્મા છે–તેને જાણીને તે
જ્ઞાનસ્વભાવની ભાવના કરવી એવો ઉપદેશ છે.
જ્ઞાનસ્વભાવી આત્મા તે જીવતત્ત્વ છે.
બંધ–મોક્ષ કે ઉદય–નિર્જરારૂપ પુદ્ગલકર્મ તે અજીવતત્ત્વ છે. એ બંનેની ભિન્નતા
છે. અહો, આવી ભિન્નતાનું ભાન કરીને જે જ્ઞાનસ્વભાવમાં ઊતર્યા તે અતીન્દ્રિય
આનંદનું મહા સુખ માણે છે (માંહી પડ્યા તે મહા સુખ માણે.)
[ફાગણ સુદ ૧૧]
સમ્યગ્દર્શનના વિષયરૂપ શુદ્ધ આત્મા કેવો છે? તેનું આ વર્ણન છે. તે આત્મા કર્મના
બંધ–મોક્ષનો કે ઉદય–નિર્જરાનો કર્તા–ભોક્તા નથી.
“द्रव्यात्मलाभ” તે પારિણામિકભાવનું લક્ષણ કહ્યું છે; એટલે દ્રવ્યનું નિજસ્વરૂપે
અસ્તિત્વ તે દ્રવ્ય–આત્મલાભ છે; પારિણામિકભાવે દ્રવ્ય સદા નિજસ્વરૂપે એકરૂપ
અસ્તિત્વવાળું છે, ધ્રુવદ્રષ્ટિથી જોતાં વસ્તુ ધ્રુવ છે, તે ધ્રુવદ્રષ્ટિમાં પરિણમન દેખાતું નથી;
પરિણમન તે પર્યાયનયનો વિષય છે.