ચૈત્ર ૨૪૯૪ : આત્મધર્મ : ૩૩
: સંપાદકીય :
તીર્થંકર ભગવાન...એટલે માત્ર ભારતની જ નહિ પણ આખા વિશ્વની મહાન
વિભૂતિ. –ઈન્દ્રો અને ચક્રવર્તીઓની વિભૂતિ પણ જેમના ચરણમાં ઝૂકી જાય, એવા ૨૪–
૨૪ તીર્થંકર ભગવંતોને અવતાર આપવાનું ગૌરવ આપણી આ ભારત માતાને જ પ્રાપ્ત છે.
તીર્થંકરોના વિહારથી પાવન આપણા આ ભારતદેશની ધાર્મિકસમૃદ્ધિ બધા દેશોમાં સર્વોચ્ચ
છે. હજી અઢી હજાર વર્ષ પણ પૂરા નથી થયા ત્યારપહેલાં ભગવાન વર્દ્ધમાનતીર્થંકર આ
ભરતભૂમિમાં સાક્ષાત્ વિચરતા હતા; ને શ્રેણીકરાજા જેવા અનેક રાજા–મહારાજાઓ
તેમના ઉપદેશથી પોતાના આત્માને પવિત્ર કરતા હતા. રાજગૃહી જેવી ભૂમિનાં રજકણો
પણ એ તીર્થંકરના સ્પર્શે તીર્થરૂપ બની ગયા. ને ભાવશ્રુતવડે જેમણે તીર્થંકર ભગવાનનો
ભાવસ્પર્શ કર્યો તે જીવો રત્નત્રય પામીને ભાવતીર્થરૂપ બની ગયા.
ભગવાન શ્રી વર્દ્ધમાન તીર્થંકર આપણા સૌરાષ્ટ્રમાં પણ પધારેલા...ને તેમના નામ
ઉપરથી ‘वड्ढमाण’ વર્દ્ધમાન નામની નગરી બની, તે ‘वड्ढमाण’ નું અપભ્રંશ એ જ આજનું
‘વઢવાણ’. વર્દ્ધમાનપ્રભુની વાણીના નાદ આજેય સૌરાષ્ટ્રમાં ગૂંજે છે ને ભારતભરને
ડોલાવે છે. વર્દ્ધમાનપ્રભુની ખરી મહત્તા ત્યારે જ સમજાય કે જ્યારે તેમના કહેલા ઉપદેશનું
રહસ્ય આત્મામાં સમજાય. મહાવીર એ કોઈ સામાન્ય મનુષ્ય ન હતા, મહામાનવ કહીને
તેમને ઓળખાવવા તે પણ બરાબર નથી, તેઓ તો સર્વજ્ઞતાને પામેલા પરમાત્મા હતા.
એમને સર્વજ્ઞ–વીતરાગ તરીકે ઓળખવા એ જ એમની સાચી ઓળખાણ છે.
આવા મહાવીર ૨પ૬૬ વર્ષ પહેલાં કુંડગ્રામ–વૈશાલીમાં મહારાજા સિદ્ધાર્થ અને
ત્રિશલામાતાને ત્યાં સર્વજ્ઞપદને સાધવા માટે ચૈત્ર સુદ તેરસે અવતર્યા...૭૨ વર્ષના આયુમાં
આત્મસાધના પૂર્ણ કરવાની હતી...તેઓ ન તો રાજમાં રોકાયા કે ન તો લગ્ન કર્યું. જીવંત
માતા–પિતાના મોહને પણ છોડીને તેઓ આત્મસાધક સાધુ થયા. ત્રિશલામાતાનો
એકનોએક લાડકવાયો નંદન, પોતાની માતાની રજા લઈને વીતરાગમાર્ગે કેવળજ્ઞાન લેવા
ચાલ્યો...સાધુ થઈને તેમણે મૌનપણે આત્મસાધનામાં જ પોતાનું ચિત્ત જોડ્યું ...સર્વજ્ઞ
થયા પહેલાં અધુરી દશામાં તેમણે કોઈ ઉપદેશ ન આપ્યો...તીર્થંકરો મુનિદશામાં મૌન જ
રહે છે. –કેવો ઉત્તમ આદર્શ!
સાડાબાર વર્ષની આત્મસાધના બાદ, એટલે કે ૪૨ વર્ષની વયે પ્રભુ કેવળજ્ઞાન
પ્રગટ કરી અરહંત થયા; ને પછી વિપુલાચલ પર સમવસરણમાં દિવ્યધ્વનિની વર્ષા કરીને,