Atmadharma magazine - Ank 296
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 45

background image
: ૮ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
દુઃખ દેવાની પાપઈચ્છા હોવા છતાં સામો જીવ મરતો નથી કે દુઃખી થતો નથી. આ રીતે
પરમાં આત્માનું અકર્તાપણું હોવા છતાં જે અજ્ઞાનથી કર્તાપણું માને છે તે જીવને
જ્ઞાનક્રિયા કદી હોતી નથી એટલે કે ધર્મ હોતો નથી. એવી જ રીતે અંતરમાં શુભરાગ તે
મોક્ષસાધન ન હોવા છતાં તેને જે મોક્ષનું સાધન માને છે તે પણ રાગમાં
એકત્વબુદ્ધિવાળો અજ્ઞાની છે, રાગથી જુદો પડીને મોક્ષમાર્ગમાં તે આવતો નથી, એટલે
તેને પણ ધર્મ થતો નથી.
સમ્યગ્દ્રષ્ટિનેય શુભ–અશુભ રાગ હોય છે પણ તે પોતાના જ્ઞાનભાવથી રાગને
ભિન્ન જાણે છે; તેમજ તે રાગવડે પરના કામ હું કરી દઉં એમ તે માનતા નથી. આ રીતે
રાગને રાગપણે જ જાણે છે, ને પોતાના શુદ્ધ જ્ઞાનસ્વરૂપને તે રાગથી ભિન્નપણે જ
અનુભવે છે, એટલે રાગ વખતે ભેદજ્ઞાન તેને વર્તે છે. આવું ભેદજ્ઞાન તે મોક્ષનું કારણ
છે. આવી જ્ઞાનપરિણતિદ્વારા જ્ઞાનીને ઓળખવા તે સાચી ઓળખાણ છે.
અમને વહાલી ગુરુજીની વાણી
પ્રવાસ દરમિયાન બે મુમુક્ષુઓ મળ્‌યા....ગુરુદેવ પ્રત્યે ભક્તિ–
પ્રમોદ વ્યક્ત કરીને પછી તેમણે કહ્યું–સોનગઢ ઓછા આવી શકીએ
છીએ પણ નિયમિત ‘આત્મધર્મ’ વાંચીને આનંદિત થઈએ
છીએ...આત્મધર્મ આવતાં વેંત પહેલું કામ તે વાંચવાનું કરીએ છીએ.
કોઈવાર જમવા બેસવાની તૈયારી હોય, થાળી પીરસાઈ ગઈ હોય,
એવામાં જો પોસ્ટમેન ‘આત્મધર્મ’, આપી જાય, તો જમવાની થાળી
ઢાંકીને પહેલાં ‘આત્મધર્મ’ જોઈ લઈએ. (મારા ભોજનીયા અટકી
જાય) –એવો પ્રમોદ ‘આત્મધર્મ’ વાંચીને થાય છે. આ રીતે ઠેરઠેર
સેંકડો જિજ્ઞાસુ ભાઈ–બહેનો ‘આત્મધર્મ’ પ્રત્યે પોતાનો હાર્દિક પ્રેમ
વ્યક્ત કરતા હતા. ખરેખર, ગુરુદેવની વાણી દ્વારા વીતરાગરસનું
પાન કરવું કોને ન ગમે? પોતાના જ સ્વરૂપની વાત સાંભળીને કોને
આનંદ ન થાય? સોનગઢમાં બેઠા બેઠા પણ ગુરુદેવની વાણી
ભારતના હજારો જિજ્ઞાસુઓ ઉપર મોટો ઉપકાર કરી રહી છે.