જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૯ :
અનેકાન્તવડે અર્હન્તદેવે જ્ઞાનસ્વરૂપ આત્માનો
અનુભવ કરાવ્યો છે
(સમયસાર–પરિશિષ્ટમાં અનેકાન્તના ૧૪ બોલ ઉપરના પ્રવચનનો સાર:)
(સોનગઢ : વૈશાખ સુદ ૧પ થી વૈ. વદ ૩)
‘અનેકાન્ત’ કે જે અરિહંતદેવના શાસનનો પ્રાણ છે,
તે અનેકાન્ત વડે અર્હંત ભગવાને જ્ઞાનસ્વભાવી આત્મા
દેખાડ્યો છે; જ્ઞાનસ્વભાવી આત્માની પ્રાપ્તિ–અનુભૂતિ તે
અનેકાન્તનું ફળ છે, તે જ સર્વજ્ઞશાસનનું રહસ્ય છે. –એ
વાત અહીં ગુરુદેવે સમજાવી છે.
અનેકાન્તવડે જ્ઞાનમાત્ર આત્મવસ્તુ પ્રસિદ્ધ થાય છે; સર્વજ્ઞ ભગવાને
અનેકાન્તવડે જ્ઞાનમાત્ર આત્મા દેખાડ્યો છે–તેનું આ વર્ણન છે.
આ વિશ્વ છે તે સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલું છે. તેમાં સર્વ ભાવો
પોતપોતાના સ્વભાવથી અદ્વૈત છે, છતાં દ્વૈતનો એટલે અન્ય વસ્તુનો નિષેધ કરવો તે
અશક્ય છે. જેમ જીવ જગતમાં સ્વતંત્ર છે તેમ અજીવ પણ સ્વતંત્ર છે. તેમાં જીવ
પોતાના જીવસ્વરૂપે છે ને અજીવસ્વરૂપે નથી–એ રીતે દરેક પદાર્થને સ્વરૂપમાં પ્રવૃત્તિ છે
ને પરરૂપથી વ્યાવૃત્તિ છે. –આમ દરેક વસ્તુને અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્તપણું છે તે
સર્વજ્ઞદેવે પ્રકાશ્યું છે.
જ્યાં જીવ અને અજીવને અત્યંત ભિન્નતા છે, બંનેની એકતાનો નિષેધ છે એટલે
એકની બીજામાં પ્રવૃત્તિ નથી, ત્યાં કોઈ એકબીજાનું કાર્ય કરે એમ બનતું નથી. છતાં જીવ
અજીવમાં કાંઈ કરે કે અજીવથી જીવમાં કાંઈ જ્ઞાનાદિ થાય એમ માને તેેને સ્વ–પરની
એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે. એ જ રીતે જ્ઞાનને અને રાગને પણ એકબીજામાં નાસ્તિપણું
છે, એટલે રાગ કરતાં કરતાં જ્ઞાનભાવ પ્રગટે કે રાગ તે મોક્ષમાર્ગનું સાધન થાય એમ
માનવું તે પણ સ્વભાવ અને પરભાવની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે.