: ૧૦ : આત્મધર્મ જેઠ : ૨૪૯૪ :
વસ્તુનો સ્વભાવ ભિન્ન–ભિન્ન હોવા છતાં અજ્ઞાની પોતાના ભિન્ન જ્ઞાનને
અનુભવતો નથી, સંયોગ સાથે એકતાબુદ્ધિથી દેખનારા જીવો પોતાના સ્વભાવની
સ્વતંત્રતાને દેખી શકતા નથી. ચશ્મા જડ છે, જ્ઞાન જીવનો ભાવ છે; ત્યાં ચશ્માના
સંયોગને જોનાર, અને સંયોગથી ભિન્ન પોતાના જ્ઞાનને જે દેખતો નથી તે જડ–
ચેતનની એકત્વબુદ્ધિથી એમ માને છે કે ચશ્માથી જ્ઞાન થયું. ભાઈ! ચશ્માના સંયોગ
વખતેય જ્ઞાનનું પરિણમન ચશ્માને કારણે નહિ પણ પોતાના સ્વભાવથી જ છે. –આવી
સ્વતંત્રતાને સર્વજ્ઞભગવાને અનેકાન્તવડે પ્રસિદ્ધ કરી છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ છે; તે જ્ઞાન પોતાના સ્વભાવથી જ પરિણમતું થકું
જગતના સર્વ જ્ઞેયોને જાણે છે. આ રીતે જ્ઞાનને પર સાથે જ્ઞાતા–જ્ઞેયપણું છે. પણ બંનેનું
પરિણમન ભિન્ન છે. જ્ઞાન–જ્ઞાનરૂપે રહે છે, જ્ઞેયોજ્ઞેયરૂપે રહે છે. જ્ઞાન કાંઈ જ્ઞેયોને
જાણતાં તેની સાથે એકમેક થઈ જતું નથી. પણ અજ્ઞાની જાણે કે હું જ્ઞેયરૂપ થઈ ગયો
–એમ માને છે, તેને અનેકાન્તની ખબર નથી. પરજ્ઞેયને લીધે જ્ઞાન થાય એમ જે માને
તેને પણ અનેકાન્તની ખબર નથી, તેેણે જ્ઞાનને પરજ્ઞેય સાથે એકમેક માન્યું છે, તે
અજ્ઞાની છે. સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ એકાન્તવડે અજ્ઞાની જ્યારે નાશ પામે છે (એટલે
કે પોતાના ભિન્ન જ્ઞાનને ભૂલી જાય છે) ત્યારે અનેકાન્ત તેને જ્ઞેયોથી ભિન્નતા
બતાવીને જ્ઞાનનો અનુભવ કરાવે છે. આવો અનુભવ કરવો તે અનેકાન્તનું ફળ છે.
પરજ્ઞેયોને જાણતાં અજ્ઞાની એમ માને છે કે તેેને લીધે જ જ્ઞાન થાય છે; પણ
જ્ઞેયથી ભિન્નપણે જ્ઞાનનું સ્વાધીન અસ્તિત્વ છે, –આવા પોતાના સ્વાધીન અસ્તિત્વને
જાણ્યા વગર ધર્મ થાય નહિ. અનેકાન્તના ૧૪ બોલ દ્વારા અહીં જ્ઞાનનું સ્વાધીન
અસ્તિત્વ સમજાવ્યું છે.
જ્ઞાનસ્વભાવી આત્મા દ્રવ્યપણે એક છે, પણ પર્યાયમાં અનેક જ્ઞેયોને જાણવારૂપ
અનેકાકારપણું છે. અનેકજ્ઞેયોને જાણવું તે તો જ્ઞાનનું સામર્થ્ય છે, તે કાંઈ દોષ નથી.
અનેક જ્ઞેયોને જાણતાં જ્ઞાન પણ ખંડખંડરૂપ થઈ ગયું એમ અજ્ઞાનીને ભ્રમ થાય છે, ત્યાં
દ્રવ્યસ્વભાવથી જ્ઞાનનું એકરૂપપણું બતાવીને અનેકાન્ત તે ભ્રમ મટાડે છે. એ જ રીતે
સર્વથા એકપણું માનીને પર્યાયના સામર્થ્યને ન જાણે તો તેને પર્યાયઅપેક્ષાએ અનેકપણું
બતાવીને અનેકાન્ત તેનો ભ્રમ મટાડે છે.
મારી પર્યાયમાં ઘણા જ્ઞેયો જણાય છે તેથી અનેકપણું છે માટે તે અનેકપણું
મટાડવા પરજ્ઞેયોના જ્ઞાનને કાઢી નાંખું–એમ અજ્ઞાની પોતાની જ્ઞાનપર્યાયને જ છોડી
દેવા માંગે છે. પણ ભાઈ! પરચીજ જણાય તે તો તારા જ્ઞાનનું સામર્થ્ય છે. એકપણું તથા
અનેકપણું બંને તારા જ્ઞાનમાં રહેલા છે, તેને કાઢી નાંખતાં જ્ઞાન જ નહિ રહે. પોતાના
સ્વભાવના આશ્રયે જ્ઞાન જ અનેક નિર્મળપર્યાયોરૂપે પરિણમે છે.