જેઠ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧ :
જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે; તેમાં ચેતન પણ જણાય ને જડ પણ જણાય,
સિદ્ધ પણ જણાય ને સંસારી પણ જણાય, શુદ્ધતા પણ જણાય ને રાગ પણ જણાય, ત્યાં
જ્ઞાન તો જ્ઞાનરૂપ જ રહે છે, જ્ઞાન કાંઈ જડરૂપ કે રાગરૂપ થતું નથી. વળી વિવિધ
પ્રકારનું જ્ઞાન થાય એટલે જ્ઞાન પર્યાયમાં પણ તેવી વિવિધતા થાય છતાં જ્ઞાનમાં દ્રવ્ય–
સ્વભાવથી એકપણું કદી છૂટી જતું નથી. વિશેષ જ્ઞાન વખતેય સામાન્ય જ્ઞાનસ્વભાવ
ધર્મીની પ્રતીતમાં વર્તે છે, એટલે પર્યાયભેદથી હું સર્વથા ભેદરૂપ થઈ ગયો એવો ભ્રમ
એને થતો નથી.
આ જ્ઞાતાદ્રવ્ય પોતાના સ્વભાવથી સર્વ જ્ઞેયોને જાણે છે; ત્યાં અજ્ઞાની પરદ્રવ્યને
લીધે જ જ્ઞાનનું અસ્તિત્વ માને છે, આ પરદ્રવ્ય છે તો તેનું જ્ઞાન થાય છે–એમ બંનેને
એકપણે અજ્ઞાની માને છે; પણ જ્ઞાનનું અસ્તિત્વ જ્ઞાનથી છે ને પરનું અસ્તિત્વ જ્ઞાનમાં
નથી–એમ સ્વદ્રવ્ય–પરદ્રવ્યની ભિન્નતાને અનેકાન્તવડે સર્વજ્ઞદેવે પ્રસિદ્ધ કરી છે.
આત્માનું જ્ઞાન આત્મપ્રમાણ સ્વક્ષેત્રમાં જ છે; પરક્ષેત્રમાં તે જતું નથી, ને પરક્ષેત્ર
જ્ઞાનમાં આવતું નથી. પરક્ષેત્રમાં રહેલા પદાર્થોને જાણવા છતાં જ્ઞાન કાંઈ પરક્ષેત્રમાં જતું
નથી; સ્વક્ષેત્રમાં રહીને સર્વને જાણી લેવાનું જ્ઞાનનું સામર્થ્ય છે. બહારમાં દૂરના પરક્ષેત્રને
જાણતાં હું પણ પરક્ષેત્રમાં ચાલ્યો જઈશ, –માટે પરને જાણવું નહિ–એમ અજ્ઞાની ભ્રમથી
માનીને સ્વક્ષેત્રે રહેલા જ્ઞાનાકારોના સામર્થ્યને ભૂલી જાય છે. પરક્ષેત્રથી નાસ્તિરૂપ
રહીને, સ્વક્ષેત્રમાં બેઠોબેઠો જ સર્વ લોકાલોકને જાણી લ્યે એવી જ્ઞાનની તાકાત છે.
પરક્ષેત્રે રહેલી વસ્તુનો સ્વક્ષેત્રમાં અભાવ છે. પરને જાણે છતાં તેનાથી નાસ્તિપણે
ભિન્ન અસ્તિત્વમાં રહે–એવું જ્ઞાનનું સામર્થ્ય છે, તેને અનેકાન્ત પ્રસિદ્ધ કરે છે.
અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં રહીને જ પરક્ષેત્રગત જ્ઞેયોના જ્ઞાનરૂપે પરિણમે એવી જ્ઞાનની
સ્વાધીન તાકાત છે. તીર્થ–સમ્મેદશિખર વગેરે પરક્ષેત્રના કારણે અહીં જ્ઞાન થાય છે એમ
નથી, સમ્મેદશિખરમાં તીર્થંકરો–સિદ્ધો વગેરેનું સ્મરણ થાય તે પોતાના કારણે પોતાના
સ્વક્ષેત્રના જ અસ્તિત્વમાં થાય છે. સમવસરણાદિ સુક્ષેત્રના કારણે જ્ઞાન થઈ જાય, કે
નરકાદિ કુક્ષેત્રના કારણે જ્ઞાન હણાઈ જાય–એમ જે માને છે તે પરક્ષેત્રથી જ્ઞાનનું
અસ્તિત્વ માને છે, પરક્ષેત્રથી ભિન્ન જ્ઞાનની તેને ખબર નથી. અનેકાન્ત વડે સર્વજ્ઞદેવ
કહે છે કે ભાઈ! જ્ઞાનનું અસ્તિત્વ તારા સ્વક્ષેત્રથી છે, તેમાં પરક્ષેત્રથી નાસ્તિત્વ છે; માટે
સ્વાધીન સ્વક્ષેત્રમાં જ્ઞાનનું અસ્તિત્વ જાણીને સ્વસન્મુખ પરિણમવું તે તાત્પર્ય છે.
બહુ દૂરના પદાર્થને જાણવા માટે જ્ઞાનને દૂર જવું પડે એમ નથી; અહીં પોતાના
સ્વક્ષેત્રમાં જ રહીને દૂરના પદાર્થોને પણ જાણી લેવાનો જ્ઞાનનો સ્વભાવ છે. સ્વક્ષેત્રમાં
રહેવા માટે પરક્ષેત્રનું જાણપણું છોડી દેવું પડતું નથી, કેમકે પરક્ષેત્રનું જાણપણું તો
પોતાની પર્યાયમાં, પોતાના સ્વક્ષેત્રમાં જ છે.