: ૧૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
મોક્ષાર્થી જીવનું કામ
(કળશ ૧૮૪–૧૮પ ના પ્રવચનમાંથી
સિદ્ધાન્તનું સેવન કઈ રીતે કરવું ?
જે ભાવ આત્માના સ્વભાવપણે અનુભવાય તે ઉપાદેય છે.
જે ભાવ આત્માના સ્વરૂપપણે ન અનુભવાય તે હેય છે.
જે રાગાદિક પરભાવો છે તેઓ આત્માના ચેતનસ્વભાવ સાથે મેળવાળા નથી
પણ અણમળતા છે.
જેમ ચેતનભાવ અને જડભાવ એ બંનેને એકબીજા સાથે મળતાપણું નથી પણ
અણમળતાપણું છે, જુદી જ જાત છે;
તેમ જ્ઞાનભાવ ને રાગભાવને પણ મેળ નથી, એકપણું નથી, પણ
અણમળતાપણું છે, ભિન્નપણું છે. શુદ્ધજીવના સ્વરૂપપણે તે રાગાદિ
અનુભવાતા નથી, માટે તેઓ જીવનું સ્વરૂપ નથી.
–આવો અનુભવ તે સાચા જીવનો અનુભવ છે, ને તે મોક્ષનું કારણ છે.
મોક્ષાર્થી એટલે કે આત્માના અતીન્દ્રિયસુખને જે ઉપાદેય સમજે છે તે જીવે કોનું
સેવન કરવું? કે હું શુદ્ધ એક ચૈતન્યમાત્ર છું–એવા પરમાર્થનો અનુભવ કરવો.
સિદ્ધાન્તમાં આત્માનો આવો અનુભવ કરવાનું કહ્યું છે માટે મોક્ષાર્થીએ આવો અનુભવ
કરવો. –એનું જ નામ સિદ્ધાન્તનું સેવન છે.
ચૈતન્યથી ભિન્ન લક્ષણવાળા અનેક ભાવો તે હું નથી, એક પરમજ્ઞાનપ્રકાશી
ચૈતન્યભાવ જ હું છું–આવા અનુભવમાં જ અતીન્દ્રિય સુખ છે. માટે અતીન્દ્રિયસુખના
અભિલાષી જીવો આવા આત્માનું સેવન કરો. પરમ જ્ઞાનપ્રકાશી આત્મા
સ્વસંવેદનપ્રત્યક્ષ છે. જ્ઞાનનું લક્ષણ શું ને રાગનું લક્ષણ શું–એમ બંનેના ભિન્ન લક્ષણને
ઓળખીને, શુદ્ધચૈતન્યલક્ષણસ્વરૂપે પોતાને અનુભવવો તે મોક્ષાર્થીનું કામ છે. તે
મોક્ષનો માર્ગ છે.