Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 45

background image
: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૧૧ :
ક્યાં જ્ઞાન ને ક્યાં રાગ? ક્યાં પરમ અતીન્દ્રિયસુખ ને ક્યાં આકુળતા? બંનેને
મેળ નથી. અંતરની શાંતિના પ્રવાહમાં રાગની ભેળસેળ નથી. અનુભવના અમૃતમાં
આકુળતાનું ઝેર નથી.
અતીન્દ્રિયસુખ કહો કે આત્માનો સ્વભાવ કહો, તેનો જેને પ્રેમ જાગ્યો, તે સુખ
જ જેને ઉપાદેય લાગ્યું, તે જીવને જગતના બીજા કોઈ બાહ્ય વિષયો ને પાપ–પુણ્યના
ભાવો રુચિકર ન લાગે; તેને તે ઉપાદેય ન સમજે. વીતરાગી મોક્ષસુખનો અભિલાષી
રાગને કેમ સેવે? તે તો પરભાવોથી રહિત એવા પોતાના શુદ્ધસ્વરૂપને જ સેવે છે. –
આવું સેવન તે જ સિદ્ધાન્તનું સાચું સેવન છે.
હું તો એક શુદ્ધ ચિન્માત્રભાવ જ છું, અન્ય કોઈ ભાવો મારા નથી. –એવું
શુદ્ધાત્માનું સેવન એટલે કે અનુભવન તે જ સિદ્ધાન્તનું સેવન છે.
રાગ ને પુણ્ય મારાં, તેનાથી મને સુખ મળશે–એવું જે રાગનું સેવન છે તે
સિદ્ધાન્તનું સેવન નથી, તેમાં તો સિદ્ધાન્તનો અનાદર છે.
સિદ્ધાન્તે આત્માનો પરમાર્થસ્વભાવ દેખાડ્યો છે; તે સ્વભાવનું સેવન તે
સ્વસન્મુખ પર્યાય છે. એ જ ધર્માત્માનું આચરણ છે...એમાં જ પરમ અતીન્દ્રિયસુખનું
વેદન છે.
જીવે અનાદિથી વિકારી પરભાવોનું જ સેવન કર્યું છે, તેને જ પોતાપણે
અનુભવ્યા છે; તેમાં એકપણ ક્ષણ જો ભંગ પાડે તો સ્વભાવસન્મુખતા થઈ જાય. જેમ
અજ્ઞાનથી નિરંતર રાગને અનુભવ્યો, તેમ હવે ‘રાગાદિ તે હું નથી, શુદ્ધ ચૈતન્યભાવ જ
હું છું’ એમ નિરંતર શુદ્ધાત્માનું સેવન કરો, તેને જ પોતાપણે અનુભવમાં લ્યો. –આવો
અનુભવ તે જ મોક્ષનું કારણ છે, તે જ મોક્ષાર્થી જીવે કરવાનું કાર્ય છે. એ સિવાય પુણ્ય
કે પુણ્યફળરૂપ ભોગો, સંસાર કે શરીર–તેની અભિલાષા મોક્ષાર્થી ધર્માત્માને નથી.
સ્વસંવેદન પ્રત્યક્ષ એવું જીવદ્રવ્ય હું છું, શુદ્ધજ્ઞાનપ્રકાશમય હું છું, અતીન્દ્રિયસુખ તે હું છું–
આવા શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ ધર્મી કરે છે. ધર્મીના આવા કાર્ય સાથે રાગાદિ અશુભભાવો
અણમળતા છે. શુદ્ધસ્વરૂપને રાગાદિ સાથે મેળ નથી–મિલન નથી–એકતા નથી,–પણ
ભિન્નતા છે. જેટલા રાગાદિભાવો છે તે બધાય શુદ્ધચૈતન્યના અનુભવથી પર છે; તે
પોતાના સ્વરૂપપણે નથી અનુભવાતા. માટે હે મોક્ષાર્થી જીવો! તમે આવા શુદ્ધસ્વરૂપના
અનુભવરૂપ સિદ્ધાન્તનું સેવન કરો.