Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 43 of 45

background image
: ૪૦ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
ઉચ્ચ કોટિનું અધ્યાત્મસાહિત્ય લખાયું છે; ને તે દ્વારા જિનવાણી પ્રત્યેની પરમભક્તિ
પુષ્ટ થઈ છે.
સં.૨૦૦૦ માં ગુરુદેવના રાજકોટથી પુન: સોનગઢના વિહાર વખતે જ્યારે હું
થોડા દિવસ મોરબી ગયો ત્યારે કુટુંબીજનોને લાગ્યું કે આ છોકરો ધર્મની લાઈનમાં
ઉતરી જશે, એટલે આખા કુટુંબના વડીલોએ ભેગા થઈને આ માર્ગ છોડીને મુંબઈ જવા
ખૂબ દબાણ કરવા માંડયું, પરંતુ– આ બાળકના હૃદયમાં તો પૂ. ગુરુદેવના ચરણનો
પ્રભાવ અંકિત થઈ ચૂક્યો હતો, એટલે જ્યારે મુંબઈ જવા માટે વડીલોએ દબાણ કરીને
પૂછ્યું ત્યારે મુખને બદલે આંખોએ જ અશ્રુની ધારા વહાવીને જવાબ આપ્યો. જો કે
આંખની અશ્રુધારાએ મુંબઈ જવાની વાતને ધોઈ નાંખી હતી પણ વડીલોનું દબાણ તો
ઊલટું વધવા લાગ્યું, છેવટે તેમના સકંજામાંથી છૂટવા ‘રામજીભાઈ પાસેથી રજા લઈને
આવું’ એમ કહીને હું ત્યાંથી ભાગી આવ્યો, ને સીધો ગુરુદેવ પાસે લાઠી શહેર પહોંચ્યો.
–એ દિવસ હતો. સં. ૨૦૦૦ ના ચૈત્ર સુદ તેરસ !
આમ અનેક ખેંચતાણ વચ્ચેથી પસાર થઈને ગુરુદેવના પવિત્ર ચરણકમળમાં
આ બાળક વસ્યો ને સોનગઢમાં ગુરુદેવની મીઠીમધુરી અમીછાયામાં જીવનઘડતર થતું
ગયું. અહા, ગુરુદેવના ઉપકારની શી વાત!
આજે તો એ વાતને પચીસ વર્ષ–પા સૈકો–થયો...આ પચીસ વર્ષમાં તો
ગુરુદેવના ચરણોમાં કેવા કેવા ઉત્તમ પ્રસંગો બન્યા...ને ગુરુદેવના શ્રીમુખથી કેવી કેવી
ઉત્તમ પ્રસાદીઓ આશીર્વાદપૂર્વક પ્રાપ્ત થઈ....એનાં હજારો સંભારણા આજે આત્માને
ઊંડા સંશોધનમાં લઈ જાય છે...ને આવા સંતોના પવિત્રજીવન પ્રત્યે પરમ અર્પણતા
પ્રગટાવે છે.
જીવનમાં ગુરુદેવે આ વાત તો રગડી રગડીને ઘૂંટાવી છે કે, જો આત્માર્થ સાધવો
જ છે તો જીવનની કોઈ પરિસ્થિતિ આપણને રોકી શકવાની નથી. આત્માર્થ સાધવાનો
જ્યાં અંદરમાં દ્રઢ નિર્ણય છે ને સાચી લગન છે ત્યાં જગતસંબંધી અવનવા અનેક
પ્રસંગોમાંથી પસાર થવા છતાં એ નિર્ણય કે એ લગનીને જરાય ઢીલીપોચી થવા ન દેવી,
ને સંતોના ચરણમાં તેનું બળ વધારતા રહેવું, પરમ વૈભવથી ભરપૂર જે પોતાનું શુદ્ધ
સ્વરૂપ તેનો મહિમા કરીકરીને તેમાં અંતર્મુખ થવું તે આપણું કર્તવ્ય છે. જીવનમાં વધુ ને
વધુ વૈરાગ્યથી, વધુને વધુ આત્મરસથી ગુરુચરણમાં પોતાનું હિત સાધવાનું એક જ લક્ષ
રાખીને ક્ષણક્ષણ–પળપળ આત્મસાધનામાં પ્રયત્નશીલ રહેવું.
અહો, જીવનમાં રત્નચિંતામણિ સમાન જે સન્તરત્નો મને મળ્‌યા છે તેમના
અનંત ઉપકારના સ્મરણપૂર્વક નમસ્કાર કરું છું.
(૨૪૯૪ અષાડ સુદ બીજ : સોનગઢ)
–બ્ર. હરિલાલ જૈન