પહેલવહેલું સમયસારના પ્રવચનો લખવાનું (પ્રેસકોપી કરવાનું) સુકાર્ય મને મળ્યું.
તેઓશ્રીએ મને આજ્ઞારૂપ સૂચના કરી કે તમે ગુરુદેવનું વ્યાખ્યાન લખતાં શીખો!
આવડવાના કારણે નહિ પરંતુ પૂ. બેનશ્રી–બેનનાં વચનો દ્વારા મળેલા અતિશય
ઉલ્લાસને કારણે, મેં પ્રવચન લખવા શરૂ કર્યા... ને તેમની પ્રેરણાના જ પ્રતાપે ત્રણેક
મહિનાની પ્રેકટીસ થતાં પ્રવચન લખવામાં હું ઉત્તીર્ણ થયો. શરૂઆતમાં એક પ્રવચનના
૧૨ પાનાં લખાયેલ, પછી અનુક્રમે ૧૬ થયા અને પછી સરેરાશ ૨૦ પાનાં જેટલું
લખાણ થતું. વધારેમાં વધારે ઝડપે એકવખત ૨૪ પાનાનું લખાણ થયું હતું. પછી તો
લેખનકાર્ય સહજ જેવું બની ગયું. જેમ જેમ લેખન થતું ગયું તેમ તેમ ગુરુદેવના ભાવો
પણ મારા મનમાં ઘૂંટાતા ગયા....ને મારા આત્મામાં તેના સંસ્કાર પડતા ગયા. પૂ.
ગુરુદેવનો નીકટ સહવાસ અણસમજણપણે પણ મને ખૂબ જ ગમતો...ને ગુરુદેવ
અમારા જેવા નાનકડા બાળકોને ઉલ્લાસ આપીને આનંદિત કરતા. પૂ. બેનશ્રી–બેનનાં
દર્શન પણ આ બાળકને કોઈ અકલ્પિત પ્રેરણાઓ જગાડીને આત્મહિતમાં પ્રેરતા હતા.
અઢીસો ગ્રાહક થાય તો ઘણા–એવી ધારણાથી શરૂ થયેલ આ માસિક આજે ગુજરાતી–
હિંદી મળીને ચાર હજાર જેટલા ગ્રાહકો ધરાવે છે. આત્મધર્મનો પહેલો અંક સં.૨૦૦૦ ના
માગશર સુદ બીજે પ્રસિદ્ધ થયો હતો. મુ. શ્રી રામજીભાઈની દોરવણીમાં તેનું લેખન–
સંપાદન કરવાનું પણ મારા જ ભાગ્યમાં આવ્યું. આજે પચીસ વર્ષમાં ૨પ૦૦૦ જેટલા
પાનાં આત્મધર્મ માટે આ હાથે લખાઈ ચૂક્યાં છે, ને બીજા પણ ૨પ૦૦૦ જેટલા પાનાનું
સાહિત્ય ગુરુદેવના પ્રવચનમાંથી લખાઈ ગયું છે. આ રીતે પચાસ હજાર પાનાં જેટલું