: ૩૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
બાલવિભાગના હજારો સભ્યો અમને સાધર્મીકુટુંબ સમાન ભાસે છે.
(લે : કનકબાળા રતિલાલ જૈન : નં.૧૯૭૪ જોરાવરનગર)
(ઉત્તમકક્ષાના લેખોમાં આ લેખને સ્થાન મળ્યું છે.)
આત્મધર્મના બાલવિભાગ દ્વારા હજારો બાળકોમાં નાનપણથી જે ધર્મસંસ્કારનાં
બી રોપાય છે તે આગળ વધીને મોટા વૃક્ષની જેમ ફાલશે ને સમ્યગ્દર્શનાદિ મધુરા ફળ
આપશે. –આ ઉત્તમ ભાવના બાલવિભાગના સભ્યપત્રકમાં (આંબાના ઝાડ દ્વારા)
પ્રદર્શિત કરી છે.
બાલવિભાગની સરળ શૈલિ અમારા હૃદયમાં ધર્મના સંસ્કાર દ્રઢ કરે છે....ને
ધર્મમાં ઉત્સાહથી રસ લેવા પ્રેરે છે. હજારોની સંખ્યામાં બાલવિભાગનાં સભ્યો તે બધાય
અમને સાધર્મી –કુટુંબ સમાન ભાસે છે, કેમકે ‘સાચું સગપણ સાધર્મીનું’. ધર્મની
સાધનામાં બધા સાધર્મીઓએ નમ્રપણે એકબીજાને ટેકો ને પ્રોત્સાહન આપવું જોઈએ.
બાલવિભાગની ટોચ ઉપર લખ્યું છે કે ‘અમે જિનવરનાં સન્તાન’ –એટલે
આપણે જિનવરદેવની આરાધનામાં ને આજ્ઞામાં રહેનારા, અને જિનવરના માર્ગે
ચાલનારા બંધુઓ છીએ. આવી ઉચ્ચ ભાવનાને બાલવિભાગ પોષે છે.
બાલવિભાગે નાના બાળકો ઉપર ચમત્કારીક અસર કરીને એમ સમજાવ્યું છે કે
જીવનમાં ધર્મ જેવું બીજું કાંઈ નથી. એટલે જ્ઞાન–વૈરાગ્યની ભાવના અને તત્ત્વજ્ઞાનનો
પ્રેમ જાગે છે. તેમાં આવતી રસપ્રદ પ્રશ્નોત્તરી, ટૂચકડા કાવ્યો ને રમુજી શૈલીના ઉખાણા
અમને આનંદ સાથે જ્ઞાન આપે છે. આત્માર્થીતા, વાત્સલ્ય ને દેવ–ગુરુ–ધર્મની સેવાના
અદ્ભુત સંસ્કાર અમને બાલવિભાગ દ્વારા મળે છે...તે અમારા જીવનને નવો વળાંક
આપે છે અને કોલેજના અભ્યાસ કરતાં પણ ધાર્મિક અભ્યાસને વધુ મહત્ત્વનો સમજીને
અમે તેના રસલ્હાણનું આસ્વાદન કરીએ છીએ. ટૂંકામાં બાલવિભાગને અમે ધર્મનું એક
પવિત્ર ઝરણું માનીએ છીએ. અને દિનોદિન તેનો વિકાસ થાય એવી અંતરથી ભાવના
ભાવીએ છીએ. –जयजिनेन्द्र
આ અંકમાં છઠ્ઠા પાને–
મનુષ્યગતિમાં સમ્યગ્દ્રષ્ટિ કરતાં મિથ્યાદ્રષ્ટિ સંખ્યાતગુણા છે એમ છપાયું છે તેને
બદલે અસંખ્યાતગુણા છે એમ વાંચવું. કેમકે સમ્મૂર્છન મનુષ્યો સહિત અસંખ્યાતા જીવો
મનુષ્યગતિમાં છે.