: અષાડ : ૨૪૯૪ : આત્મધર્મ : ૩૭ :
શક્તિના ચમકાર :
(૪૭ શક્તિના પ્રવચનોમાંથી)
આત્માની શક્તિઓ બધી વીતરાગસ્વરૂપ છે, તેનો ધરનાર વીતરાગ છે ને તેની
સન્મુખ થતાં વીતરાગતા થાય છે. –આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતામાં વચ્ચે
ક્યાંય રાગ રહેતો નથી.
આત્મા રાગ વિના જીવી શકે છે, પણ ચેતના વિના જીવી શકતો નથી. ચૈતન્યપ્રાણ
વડે જીવતા આત્માને કોઈ હણી શકે નહિ.
જેમ વિદ્યમાન સીમંધરભગવાનને ‘जीवन्तस्वामी’ કહેવાય છે, તેમ ચૈતન્યશક્તિ વડે
જીવતો આત્મા તે જીવનશક્તિનો સ્વામી એટલે જીવન્તસ્વામી છે.
લોકોમાં કહેવાય છે કે ‘શક્તિપ્રમાણે આપવું.’ આત્મામાં શક્તિ તો કેવળજ્ઞાનની છે,
તે જો કેવળજ્ઞાન આપે તો જ તેણે શક્તિપ્રમાણે આપ્યું કહેવાય; અધૂરું આપે કે રાગ
આપે તો તે શક્તિપ્રમાણે આપ્યું ન કહેવાય.
જેમ કરોડ રૂપિયાની મૂડીવાળો માણસ જિનમંદિર બંધાવવા માટે એક પૈસો
આપે તો તેણે શક્તિપ્રમાણે આપ્યું ન કહેવાય; કરોડ રૂપિયાની મૂડીવાળો
કરિયાવરમાં સો–બસો રૂા. આપે તો તે કાંઈ શક્તિપ્રમાણે ન કહેવાય. ત્યાં ઓછું
મળતાં અપમાન લાગે છે! તો હે ભાઈ! તારા આત્માની શક્તિમાં અનંત
સામર્થ્યવાળી કેવળજ્ઞાનલક્ષ્મી છે, તેમાંથી અનંતમા ભાગનું જ્ઞાન જ તું તારી
પર્યાયમાં આપે છે, તો તે શક્તિપ્રમાણે આપ્યું ન કહેવાય. –તે તો અનંતમા ભાગનું
છે; તો તેમાં તને કેમ ઓછું નથી લાગતું!! શક્તિની સન્મુખ થઈને શક્તિ જેવી જ
પૂર્ણ તાકાત પર્યાયમાં પ્રગટ કરે તેણે શક્તિ પ્રમાણે આપ્યું કહેવાય.
પર્યાયમાં કાર્ય ન આવે તેણે કારણને સ્વીકાર્યું નથી. કારણની સન્મુખ થઈને તેને સ્વીકારતાં જ
તેવું કાર્ય પ્રગટે છે; તે કાર્ય દ્વારા જ કારણનો સ્વીકાર થયો છે. આમ કારણ–કાર્યની સંધિ છે.
ચૈતન્યશક્તિનો સ્વીકાર ચૈતન્યભાવ વડે જ થાય છે.
ચૈતન્યશક્તિનો સ્વીકાર રાગભાવ વડે થતો નથી.
આત્મામાં સુખ છે એમ ક્યારે માન્યું કહેવાય? કે સુખનો અનુભવ પ્રગટે ત્યારે.
આત્માની બધી શક્તિઓ આનંદદાયક છે, કેમકે આનંદ બધી શક્તિઓ સાથે વણાયેલો છે.
શક્તિ એટલે પરમાત્માનાં ગુણો!
અહો! એ ગુણના મહિમાનું શું કહેવું? કોઈ અલૌકિક માંગળિકકાળે આચાર્યદેવે આ
શક્તિઓ લખી છે. અદ્ભુત ચૈતન્યરસને ઘોળીઘોળીને આ શક્તિઓ કાઢી છે.
દરિયામાં ડુબકી મારીને રત્નો કાઢે, તેમ ચૈતન્ય–દરિયામાં અનુભવરૂપી ડુબકી
મારીને આ અચિંત્ય રત્નો આચાર્યદેવે જગત સમક્ષ મુક્યાં છે.