Atmadharma magazine - Ank 297
(Year 25 - Vir Nirvana Samvat 2494, A.D. 1968).

< Previous Page   Next Page >


PDF/HTML Page 39 of 45

background image
: ૩૬ : આત્મધર્મ : અષાડ : ૨૪૯૪ :
આત્માના ભાન અને અનુભવપૂર્વક છદ્મસ્થનેય વીતરાગવિજ્ઞાન હોય છે; ચોથા
ગુણસ્થાનથી શરૂ કરીને જેટલું સમ્યગ્જ્ઞાન છે તે રાગ વગરનું જ છે. સ્વસંવેદન છે તે
વીતરાગ જ હોય છે, રાગવાળું હોતું નથી, એ વાત પરમાત્મપ્રકાશમાં વારંવાર
‘વીતરાગ સ્વસંવેદન’ એમ કહીને સમજાવી છે. સાધકભૂમિકામાં રાગ હો ભલે પણ તેનું
જે સ્વસંવેદનજ્ઞાન છે તે તો વીતરાગ જ છે. અહીં મુખ્યપણે પૂર્ણ વીતરાગ એવા
કેવળજ્ઞાનની વાત છે. અહો, જગતમાં જે કોઈ જીવ પોતાનું હિત કરવા ચાહતો હોય
તેણે પૂર્ણ કેવળજ્ઞાન પદ જ નમવા યોગ્ય છે, તે જ આદરવા લાયક છે, તેને જ હિતરૂપ
સમજીને તે પ્રગટ કરવા યોગ્ય છે. સર્વજ્ઞપદનો અચિંત્ય અપાર મહિમા જાણીને મારું
અંતરવલણ તે વીતરાગ વિજ્ઞાન તરફ ઢળે છે નમે છે.
જુઓ, આ માંગળિકમાં ભગવાનના ગુણને ઓળખીને નમસ્કાર થાય છે.
વીતરાગ વિજ્ઞાનરૂપ કેવળજ્ઞાન તે પર્યાય છે, ને તે પ્રગટવાની આત્મામાં તાકાત છે.
રાગ વગર એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને જાણે–એવું જેનું સામર્થ્ય છે તે પર્યાય
આત્મામાંથી જ પ્રગટે છે. આમ શ્રદ્ધામાં લઈને ઓળખાણપૂર્વક વીતરાગવિજ્ઞાનને જેણે
નમસ્કાર કર્યા તેને પોતાની પર્યાયમાં પણ અંશે એવું વીતરાગ વિજ્ઞાન પ્રગટ્યું, તે
અપૂર્વ મંગળ છે, તે સારરૂપ છે.
‘સાર’ એટલે માખણ; જેમ છાશને વલોવીને તેમાંથી સારરૂપ માખણ કાઢે છે,
તેમ ત્રણ લોકનું મથન કરી કરીને સન્તોએ તેમાંથી સાર શું કાઢ્યો? –તો કહે છે કે–
‘तीन भुवनमें सार वीतराग विज्ञानता।’ વીતરાગ વિજ્ઞાન તે જગતમાં સારભૂત છે.
એ સિવાય રાગથી ધર્મ માનવો તે તો પાણીને વલોવવા જેવું છે, તેમાંથી કાંઈ સાર
નીકળે તેમ નથી. જ્ઞાનીઓએ જગતના સર્વે તત્ત્વોને જાણીને તેનું મથન કરતાં તેમાંથી
શુદ્ધ ચૈતન્યના કેવળજ્ઞાનરૂપી માખણ તારવ્યું. તેને જ સારરૂપ જાણ્યું. અંર્તધ્યાનવડે
ચૈતન્યને વલોવીને મુનિઓએ વીતરાગ વિજ્ઞાનરૂપ સાર કાઢ્યો. બાકી બાહ્યદ્રષ્ટિ જીવો
તો પુણ્યરૂપી છાશમાં ભરમાઈ ગયા. તેઓ શુભરાગમાં જ સંતુષ્ટ થઈ ગયા, પણ
રાગથી પાર એવા વીતરાગ વિજ્ઞાનને તેઓએ જાણ્યું નહિ. વીતરાગ વિજ્ઞાનને સારરૂપ
ઓળખીને તેનું બહુમાન કરવું તે મંગળ છે.
આત્મામાંથી રાગ–દ્વેષ ટળી ગયા ને જ્ઞાનની પૂરી દશા પ્રગટ થઈ, ત્યાં ભૂખ–
તરસ વગેરે ૧૮ દોષ રહિત પરમ આનંદમય કેવળજ્ઞાન થયું; તેવું કેવળજ્ઞાન પોતામાં
પ્રગટ કરવા માટે તેની પ્રતીત કરીને વંદન અને આદર કરીએ છીએ. આ રીતે
સર્વજ્ઞદેવની શ્રદ્ધા અને બહુમાનપૂર્વક શાસ્ત્રની શરૂઆત થાય છે.